લતા મંગેશકરને કોરોના : આઈસીયુમાં દાખલ

લતા મંગેશકરને કોરોના : આઈસીયુમાં દાખલ
પીટીઆઈ
મુંબઈ, તા. 11 જાન્યુ. 
ખ્યાતનામ ગાયિકા લતા મંગેશકરને કોરોના લાગુ પડયો હોવાનું જણાયું છે. તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી હળવાં લક્ષણો સાથે તેમને બ્રિચકેન્ડી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર માટે દાખલા કરાયાં છે એમ તેમની ભત્રીજી રચનાએ કહ્યું હતું.  
92 વર્ષનાં આ વયોવૃદ્ધ ગાયિકાને બે દિવસ પહેલાં દક્ષિણ મુંબઈની બ્રિચકેન્ડી હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, એમ રચનાએ  જણાવ્યું હતું. `તેમને કોરોનાનાં હળવાં લક્ષણો જણાયાં છે. તેમની ઉંમરનો વિચાર કરીને ડોકટરે અમને સલાહ આપી કે તેમને આઈસીયુમાં રાખવાં જોઈએ જેથી તેમના પર સતત નજર રાખી શકાય. આપણે કોઈ જોખમ લઈ શકીએ નહિ,' એમ રચનાએ કહ્યું હતું.  
`તે સારાં થઈ જશે, પણ ઉંમરને લીધે થોડો સમય લાગશે. આમ પણ કોરોનાને મટતા સાત દિવસ લાગે છે,' એમ તેમણે ઉમેર્યું હતું. 
તાજેતરમાં દેશના અનેક ટોચના નેતાઓ કોરોનામાં ઝડપાયા છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા અને બિહારના મુખ્ય પ્રધાન નિતીશકુમાર તાજેતરમાં કોરોનાથી સંક્રમિત જણાયા હતા. તે અગાઉ બે કેન્દ્રીય મંત્રીઓ ભારતી પ્રવિણ પવાર અને મહેન્દ્રનાથ પાંડે ઉપરાંત દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ જણાયા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer