ચીનની વિવો કંપનીને સ્થાને તાતા જૂથ આઈપીએલ ટાઈટલનું નવું સ્પોન્સર

ચીનની વિવો કંપનીને સ્થાને તાતા જૂથ આઈપીએલ ટાઈટલનું નવું સ્પોન્સર
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ટાઇટલ સ્પોન્સરશિપ આ વર્ષથી તાતા જૂથ સંભાળશે. અત્યાર સુધી તે ચીનની મોબાઈલ ફોન ઉત્પાદક કંપની વિવો પાસે હતી. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આજે આ નિર્ણય લેવાયો હતો. `હા, તાતા જૂથ આઈપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે આવી રહ્યું છે, ` એમ આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું.  
આ સોદો કેટલી રકમનો છે તે હજુ જાહેર થયું નથી. તાતા જૂથના એક પ્રવક્તાએ `હા'ના એકાક્ષરી જવાબ વડે સમાચારની પુષ્ટિ કરી હતી, પરંતુ વધુ વિગતો આપી ન હતી. વિવોએ 2018-2022 સુધીનાં પાંચ વર્ષ માટે રૂ. 2200 કરોડમાં આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશિપ ખરીદી હતી. પરંતુ 2020માં પૂર્વીય લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેનાએ ભારતીય સૈનિકો પર લોહિયાળ હુમલો કર્યો તે પછી ભારતમાં વિવો કંપનીની પ્રતિષ્ઠા ધોવાઈ ગઈ હતી અને તેણે એક વર્ષનો બ્રેક લેતાં તેને બદલે ડ્રીમ 11એ આઈપીએલ સ્પોન્સરશિપ સંભાળી હતી. 2021માં વિવો સ્પોન્સર તરીકે પાછી ફરી હતી. પરંતુ તે સ્પોન્સર તરીકેના હક્કો યોગ્ય ગ્રાહકને વેચી દેવા આતુર હોવાનું કહેવાતું હતું અને બીસીસીઆઈએ પણ આ હિલચાલને મંજૂરી આપી હતી.  
`વહેલું મોડું આ થવાનું જ હતું. વિવોની હાજરીથી આઈપીએલ તેમ જ કંપની બંનેની બદનામી થતી હતી. ચીનના માલ સામે ભારતમાં ભારે આક્રોશ પ્રવર્તતો હોવાથી કંપનીએ એક વર્ષ પહેલાં જ નીકળી જવાનું પસંદ કર્યું છે,` એમ બીસીસી આઈનાં સૂત્રોએ જણાવ્યું હતું.  
બીસીસીઆઈને આનાથી કોઈ નાણાકીય નુકસાન નહિ થાય કેમ કે, રૂ. 440 કરોડની વાર્ષિક સ્પોન્સરશિપ ફી હવે  નવા સ્પોન્સરો તેને ચૂકવશે. સ્પોન્સરશિપ ફીમાંથી અડધા નાણાં બીસીસીઆઈ રાખે છે અને બાકીનાં અડધા આઈપીએલના ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે વહેંચી  દેવાય છે. 
તાતા જૂથ સાથેનો સોદો માત્ર એક વર્ષ માટેનો જ છે અને આવતા વર્ષથી શરૂ થનારી નવી સિઝન માટે બીસીસીઆઈ નવેસરથી ટેન્ડર મગાવશે એમ મનાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer