સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં શીત મોજું

ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં યલો એલર્ટ
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 24 જાન્યુ. 
આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના આવતા સીધા ઠંડા પવનોની માઠી અસર વર્તાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં અસરને લીદે વ્યાપક ઠંડી પડશે. કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. રવિ અને સોમવારે વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન 7થી 12 ડિગ્રી ઘટ્યું હતું. હજુ બેથી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 
અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા પલટાને લીધે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો હતો. જેના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો વર્તારો અનુભવાયો હતો. પરંતુ રવિવારથી ઠંડો પવન અને શીત લહેર પ્રસરતા આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે. 
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવાના કારણે બાળકો, પ્રેગ્નેન્ટ મહિલા તથા કોમોર્બિડ વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા કહેવાયું છે. ઠંડીમાં શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ.  
મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે. જેને લઇ ચારેય જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. રાજ્યમાં ઠંડીનું જોર ફરીથી વધશે. 
રાજ્યભરમાં ફરી એક વાર ઠંડીનો ચમકારો અનુભવાશે. જેમાં લઘુત્તમ તાપમાનમાં 4થી 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની અંદર પહોંચશે. જેમાં ગાંધીનગર સહિતનાં કેટલાંક શહેરોનું લઘુત્તમ તાપમાન 15ની નજીક પહોંચી શકે છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer