રશિયા-યુક્રેન વચ્ચે તણાવથી સોનામાં તેજી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 24 જાન્યુ. 
બે મહિનાની ટોચ પર સોનાનો ભાવ જળવાઇ રહેતા ન્યૂયોર્કમાં હાજરમાં 1838 ડોલરનો ભાવ થયો હતો. જોકે ઇન્ટ્રા ડેમાં સોનું 1845 ડોલર સુધી ઉંચકાયું હતુ. અમેરિકી બોન્ડસના યીલ્ડમાં વધુ ઘટાડો થયો હતો અને ડોલર ઇન્ડેક્સ પણ નરમ પડ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ટેન્શન વધી રહ્યું હોવાથી રોકાણકારો સલામત રોકાણ સાધન તરીકે સોનાની ખરીદી કરી રહ્યા છે.ચાંદીનો ભાવ સોનાથી વિપરિત ઘટીને 24.03 ડોલર રહ્યો હતો. 
રોકાણકારો આવતીકાલથી શરૂ થઇ રહેલી ફેડરલ રિઝર્વની નાણાનીતિની બેઠકની રાહ જોઇ રહ્યા છે. ફેડ નાણાનીતિ હવે કડક બનાવે તેમ છે અને માર્ચની ડેડલાઇન કરતા વહેલો નિર્ણય વ્યાજદર વધારા અંગે લઇ લે તો પણ નવાઇ નહીં. ફુગાવો સતત વધતો ચાલ્યો હોવાથી ફેડ હવે વિલંબ કરવાના મૂડમાં ન હોય એવું લાગે છે. આ બેઠકમાં વ્યાજદર ક્યારે વધશે તેનો સંકેત કદાચ ન મળે પણ ફેડ શું બોલે છે તેના પર સૌની નજર છે. 
સીએમસી માર્કેટના વિષ્લેષકનું કહેવુ છેકે, ફેડના નિર્ણયની મોટી અસર સોનાના ભાવ પર પડે તેમ નથી. કારણકે બજારમાં અત્યારે તે કારણ ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. બીજી તરફ પૂર્વ યુરોપમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે તેન ચિંતા વધારે છે એટલે સોનું કદાચ મચક ન પણ આપે. હવે ફેડની બેઠકમાં કોઇ નવું આશ્ચર્ય સર્જાય તેવી શક્યતા બહુ જ ઓછી છે. 
વ્યાજદર વધવાને લીધે સોનાની ખરીદી મોંઘી પડે પણ અત્યારે એકાદ વધારો થાય તો તેની તત્કાળ અસર પડે નહીં એવું માનનારા ઝાઝા છે. સોમવારે બેન્ચમાર્ક 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થતા એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. 
અમેરિકાના શાસકોએ ડિપ્લોમેટ ફેમિલીને યુક્રેન છોડી દેવા માટે સૂચના આપી છે. રશિયન ટ્રુપ યુક્રેનમાં પહોંચી જતા સાવચેતી માટે આમ કહેવામાં આવ્યું છે. ગમેત્યારે યુધ્ધ થાય તો તેમનું સંરક્ષણ થઇ શકે. 
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.130 વધતા રૂ.50130 અને મુંબઇમાં રૂ.185 વધતા રૂ. 48793 રહ્યો હતો. ચાંદી એક કિલોએ રાજકોટમાં રૂ. 250ના ઘટાડામાં રૂ.64600 અને મુંબઇમાં રૂ.519 તૂટતા રૂ.64422 રહી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer