કોરોના કાળમાં ઉદ્યોગ ધંધા ચાલશે તો જ સરકારને આવક મળતી રહેશે

અૉલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશન દ્વારા રાજ્ય સરકારને સૂચનો
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 24 જાન્યુ.
રાજ્યમાં ઉદ્યોગો, ધંધા-રોજગાર, ટ્રાન્સ્પોર્ટીંગ, ઇન્ફ્રાસ્ટ્ર્કચર, રોજગારલક્ષી કામો પુરજોશથી ચાલુ છે હવે જો કોરોનાને લોકડાઉન આવશે તો ધંધા-રોજગાર, ઔદ્યોગિક એકમો બંધ થશે તો રાજ્યમાં ખુબ મુશ્કેલી ઉભી થશે. એટલુ જ નહી રાજ્યની આર્થિક પરિસ્થિતિ ઉપર ખુબ ગંભીર અસર થશે. ઉપરાંત શ્રમજીવીઓને વેતન નહિ મળે તો રાજ્યમાં બેકારી વધી શકે છે, શ્રમજીવીઓ જો પલાયન કરશે તો ઔદ્યોગીક એકમો ચલાવવામાં ભારે સમસ્યા સર્જાવાની વકી છે એમ ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલે જણાવ્યું છે.  આ મુદ્દે તેમણે રાજ્ય સરકારને વિવિધ સૂચનો મોકલ્યા છે. 
તેમણે જણાવ્યુ હતું કે શ્રમજીવીઓને મફત અનાજ વિતરણ કરવાથી ઘર ચાલવાનું નથી. આ પરિસ્થિતિ  અર્થતંત્ર માટે પ્રાણઘાતક પુરવાર થઈ શકે તેમ છે. એ ભૂલવું ન જોઇએ કે રાજ્યમાં ઉદ્યોગો, ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ ચાલશે તો સરકારને આવક પ્રાપ્ત થશે, લોકોને રોજગારી મળશે, ઔદ્યોગીક એકમો પર નિયંત્રણો લાદવામાં આવશે તો સરકાર આર્થિક પરિસ્થિતિમાં ભીડાઈ જશે અને વહીવટી ક્ષમતા નહિવત થઈ જશે.  
તેમણે ઉમેર્યુ હતુ કે સરકાર ગમે તેવા નિયંત્રણો લાદે પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ, તૈયાર માલ, એક્ષપોર્ટ માટેનો માલ માટે ચાલતી ટ્રાન્સપોર્ટની ગાડીઓ કે જેમાં મજૂરો, ડ્રાઈવરો, ક્લીનરો, હેલ્પરોને રોકવામાં ના આવે તેમજ કોઈપણ પ્રકારની કનડગત વગર પરિવહન માટે તેમને જવા દેવી જોઈએ. કોઈપણ ફેક્ટરીના વર્કર, સ્ટાફ પોતાનું આઈ-કાર્ડ બતાવીને ફેક્ટરીમાં ઇમરજન્સી કામ માટે જતા હોય, એક્ષપોર્ટનું ડિસ્પેચ હોય ત્યારે ફેકટરીના સ્થળે જતા-આવતા પોલીસ કે અન્ય કનડગત ના રહે તે જોવાની જવાબદારી સરકારની છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer