રાજ્યમાં ઉડતી કારનો પ્રોજેક્ટ હવામાં!

કેન્દ્રની મંજૂરીઓના અભાવે અટવાતો પ્રોજેક્ટ
અમારા પ્રતનિધિ તરફથી  
અમદાવાદ, તા. 24 જાન્યુ.
ગુજરાત સરકાર વાયબ્રન્ટ ગુજરાત હેઠળ અનેક રોકાણકારોને રાજ્યમાં આકર્ષે છે, એમઓયુ પણ કરવામાં આવે છે. જ્યા સુધી રાજ્ય સરકાર હસ્તકની મંજૂરીની વાત હોય ત્યાં સુધી તો ઠીક છે પરંતુ જ્યારે જે પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર વચ્ચે આવતી હોય તેવા પ્રોજેક્ટમાં વિલંબ થતો હોવાનુ જોવાયુ છે. કેન્દ્ર અને ગુજરાતમાં એક જ પક્ષની સરકાર હોવા છતાં ગુજરાતમાં સ્થપાનારો ફ્લાઇંગ કારનો પ્રોજેક્ટ હવામા રહી ગયો છે. છેલ્લી વાઇબ્રન્ટ સમિટ વખતે ઉડતી કાર આકર્ષણનુ કેન્દ્ર બની હતી. કારણકે એ માટે નેધરલેન્ડની પાલ-વી કંપની સાથે રૂપાણી સરકારે કરાર કર્યા હતાં પણ દોઢ વર્ષ જેટલો સમય વિત્યો છતાંય કેન્દ્ર સરકારની મંજૂરીઓના અભાવે હજુ સુધી કાર પ્લાન્ટ નાંખવાના કોઇ  ઠેકાણાં નથી. 
રાજ્ય સરકાર ગુજરાતને ઓટો હબ બનાવવા ઇચ્છુક છે પણ અન્ય રાજ્યો સાથે સ્પર્ધા જામી હોવાથી આંતર રાષ્ટ્રીય કક્ષાની કાર કંપનીઓ હકારાત્મક અભિગમ દાખવવા રાજી નથી. ગુજરાતમાં ફ્લાઇંગ કારના ઉત્પાદનને લઇને અત્યાર સુધી કોઇ હલચલ નથી. ગુજરાતમાં ફ્લાઇંગ કારનો ઉત્પાદ પ્લાન્ટ સ્થાપવા એક હજાર હેક્ટર જમીન આપવાની ઓફર કરાઇ હોવા છતાંય ટેસ્લા કાર કંપનીએ સ્વીકાર કર્યો નથી. આ કાર કંપની માટે તો જાણે રાજ્યો વચ્ચે સ્પર્ધા જામી છે. મળતી માહિતી અનુસાર ટેસ્લા કાર કંપની બાદ પાલ-વી કંપની પણ કાર પ્લાન્ટને લઇને સરકાર કોઇ નક્કર નિર્ણય લઇ શકી નથી. ફ્લાઇંગ કાર માટે હજુ યુરોપ સહિતના દેશોમાં ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે માર્ચ-2020માં ગુજરાત સરકારે નેધરલેન્ડની ડચ કંપની પાલ-વી સાથે એમઓયુ કર્યા હતાં. જે અનુસાર આ કાર કંપની ગુજરાતમાં 10 હજાર કરોડનું રોકાણ કરી ફલાઇંગ કારના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપનાર હતી. ફ્લાઇગ કારની વિશેષતા જોઇએ તેમાં બે એન્જિન હોય છે. રોડ પર 160 કિમીની ઝડપે દોડી શકે છે, જ્યારે આકાશમાં 180 કિમીની ઝડપે દોડી શકે છે. રનવે પર ઓછુ દોડીને ટેકઓફ કરી શકે છે. આ કારની કિંમત રૂ. 3 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. 
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતમાં ફ્લાઇંગ કારનો આ પ્રથમ મેન્યુફેકચારિંગ પ્લાન્ટ હશે. રૂપાણી સરકારે કાર પ્લાન્ટ માટે ઉદ્યોગ પોલીસી હેઠળ માળખાકીય સુવિધા માટે મદદ કરવા તૈયારી દર્શાવી હતી. એમઓયુ બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કાર કંપનીને 110 ફ્લાઇંગ કાર માટે ઓર્ડર સુધ્ધાં મળ્યાં હતા. ઉત્પાદન પ્લાન્ટ માટે કાર કંપનીને કેન્દ્રમાંથી લેવાની વિવિધ મંજૂરીઓ મેળવવાની હતી તે માટે પણ ગુજરાત સરકારે સાથ સહકાર આપવાનું નક્કી કર્યુ હતું તેમ છતા દોઢ વર્ષ જેટલો સમય વિત્યો છે પણ હજુ કંપનીને કેન્દ્રમાંથી મંજૂરીઓ મળી શકી નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer