ફેડની કડક નીતિ છતાં સોનાના ભાવ આ વર્ષે ઊંચા જ રહેશે

નવી દિલ્હી, તા. 24 જાન્યુ.
અમેરિકાની મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વે નાણાનીતિ કડક બનાવવાનો અને વર્ષ દરમિયાન ત્રણ વાર વ્યાજદર વધારવાનો ઈરાદો જાહેર કર્યો હોવા છતાં સોનાના ભાવ આ વર્ષે ઊંચા જ રહેવાની શક્યતા છે. ભૌતિક અથવા પ્રત્યક્ષ સોના માટેની માગ અને મધ્યસ્થ બૅન્કો દ્વારા કરાતી પીળી ધાતુની ખરીદી પણ ભાવને ટેકો પૂરો પાડશે.
ફેડની જાહેરાત પછી પણ એમસીએક્સ પર સોના વાયદો ટકેલો રહ્યો છે અને આવતા બારેક માસમાં 55,000ને વટાવી જશે એમ એનાલિસ્ટોનું કહેવું છે. 
નિષ્ણાતો કહે છે કે ફેડરલ રિઝર્વે પોતાનાં પત્તાં ખુલ્લાં કરી દીધાં હોવાથી હવે સોનાના ભાવમાં થનારો ઘટાડો મર્યાદિત હશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે કે ફેડરલ રિઝર્વ કડક નીતિ અપનાવવાનું શરૂ કરે ત્યારે શરૂઆતમાં ભાવ દબાય અને પછી પાછા વધી આવે એવું અનેક વાર બન્યું છે. વિશ્વના નાના મોટા અનેક દેશોમાં ફુગાવો વધી રહ્યો છે અને શૅરબજારમાં ઘટાડો આવ્યો છે એ હકીકત પણ અનિશ્ચિતતા અને ફુગાવા સામેની ઢાલ તરીકે સોનાનું આકર્ષણ વધારવામાં સહાયરૂપ થશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી અનુસાર ફુગાવો ઊંચો હોય તેવા સમયમાં સોનાએ સારું વળતર આપ્યું છે. જે વર્ષોમાં ફુગાવો ત્રણ ટકાથી વધુ હોય તેવાં વર્ષોમાં સોનાના ભાવમાં સરેરાશ 14 ટકાનો વધારો થયેલો જોવાયો છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પીઆરે કહ્યું કે `વ્યાજદરના વધારાની શક્યતાને બજારે ગણતરીમાં લઈ લીધી છે પરંતુ સાથોસાથ ફુગાવો પણ ઊંચો રહ્યો છે. સવાલ એ છે કે ઊંચા ફુગાવાને કારણે વાસ્તવિક વ્યાજદર નીચા જ રહેશે કે કેમ? જો વાસ્તવિક (ફુગાવો બાદ કર્યા પછીના) વ્યાજદર નીચા રહે તો તે સોનાની તેજી માટે ઉપકારક હશે. વળી આપણે ભૌગોલિક-રાજકીય પરિબળોને પણ ધ્યાનમાં રાખવાં જોઈએ. આમ વ્યાજદર સિવાય પણ બીજા અનેક પરિબળો છે જે સોનાને આ વર્ષે અસર કરશે.'
સોનાના ભાવ 2020માં ખૂબ વધી ગયા બાદ 2021માં ચારેક ટકા જેટલા દબાયા હતા. આર્થિક પ્રવૃત્તિ પગભર થતાં રોકાણકારો જોખમી અસ્ક્યામતો તરફ વળ્યા હતા અને ગોલ્ડ ઈટીએફમાં પણ વેચવાલી આવી હતી.
`આ વર્ષે અમેરિકન ડૉલરની વધઘટ, અને અમેરિકન બોન્ડ્ઝના વળતરમાં થયેલો વધારો સોનાની તેજી પર લગામ ખેંચી શકે. જાગતિક આર્થિક વિકાસ વિશેનો આશાવાદ અને રસીકરણનો વ્યાપ પણ સોનાને પ્રભાવિત કરી શકે. ઈટીએફ અને સીએફટીસી ગયે વર્ષે તેજીને સહાયરૂપ નહોતા બન્યાં અને એ જ તરાહ આ વર્ષે પણ ચાલુ રહે તો સોનામાં સેન્ટિમેન્ટ વધુ નબળું પડશે,' એમ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના ઉપપ્રમુખ નવનીત દામાણીનું કહેવું છે.
દામાણીના અંદાજ મુજબ 2022ના પ્રથમ ત્રિમાસિકના અંતે સોનાના ભાવ રૂા. 50,750 અને ત્યાર બાદ રૂા. 52,500 થઈ શકે. સોના માટે રૂા. 47,850 અને રૂા. 46,400 ટેકાની સપાટીઓ છે. વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખતાં એકાદ વર્ષમાં સોનું રૂા. 55,000ને આંબી જવાની શક્યતા તે દર્શાવે છે.
કોરોના પછીના કાળમાં રોકાણકારો તેમ જ મધ્યસ્થ બૅન્કો માટે સોનું એક મહત્ત્વની જણસ છે. સોનું અન્ય અસ્ક્યામતો કરતાં વધુ વળતર ન આપી શકે તો પણ તે એમની હારોહાર રહેશે એમાં શંકા નથી. `િરઝર્વ બૅન્ક સહિતની મધ્યસ્થ બૅન્કોએ કોરોના કાળમાં સોનામાં રસ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. વળી અમુક તબક્કે સીબીડીટી પણ સોનાને ટેકો પૂરો પાડી શકે,' એમ નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના મેનેજર વિક્રમ ધવને કહ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer