તાંબામાં પુરવઠા ખાધ વધવાની આગાહી

ઓસ્લો, તા. 24 જાન્યુ.
તાંબાની માગ અને પુરવઠા વચ્ચેનો તફાવત વધતો વધતો 2030 સુધીમાં વર્ષે 60 લાખ ટન થઇ જવાની સંભાવના છે. ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રાહક વપરાશની ઇલેટ્રોનિક ચીજવસ્તુઓમાં મહત્ત્વની ઉત્પાદન સામગ્રી તરીકે વપરાતા તાંબામાં આટલી મોટી પુરવઠા ખાધ ઉર્જા સંક્રમણ (તેલ અને કોલસા જેવા પ્રદૂષણકારી બળતણોથી દૂર જવાની નીતિ) સામે પણ પડકારો ખડા કરશે. આ ખાધ નિવારવા માટે તાંબા ઉદ્યોગમાં પુષ્કળ મૂડીરોકાણ કરવું પડશે.  
તાંબાની માગ 2030 સુધીમાં 16 ટકા વધીને વર્ષે 255 લાખ ટન થવાનો અંદાજ છે. તાંબાની માગનો વધારો કુદરતી ઉર્જા પ્રત્યેનો ઝોક, ઇલેક્ટ્રિક વાહનો, બાંધકામ પ્રવૃત્તિ અને ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના વપરાશને આભારી હશે.  ખાણમાંથી નીકળતું 75 ટકા તાંબું ઇલેક્ટ્રિકલ વાયર, પાવરગ્રીડ અને મધરબોર્ડમાં વપરાતું હોવાથી તે અત્યંત આવશ્યક જણસ છે. ભારતનો વિકાસ ઝડપી બને અને ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ હજુ વધે તો તાંબાની તંગી વધુ ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય નહિ. 
આની સામે તાંબાના પુરવઠામાં 2021ની સરખામણીમાં 12 ટકાનો ઘટાડો થવાનો અંદાજ ઉર્જા ક્ષેત્રની ખાનગી સંશોધન કંપની રિસ્ટેડ એનર્જી મૂકે છે. હાલના અને ભાવિ પ્રોજેક્ટોના ઉત્પાદનના અનુમાનને આધારે 20230 સુધીમાં તાંબાનું વાર્ષિક ઉત્પાદન 190 લાખ ટન થવાનો તેનો અંદાજ છે, જે માગને પહોંચી વળવા માત્ર ઘણું અપૂરતું હશે. કોરોનાપ્રેરિત લોકડાઉન, કામકાજમાં રુકાવટ અને વિલંબને કારણે તાંબાના પુરવઠાનો વિકાસ ધીમો પડી ગયો છે. ઘણા ઉદ્યોગો માટે જરૂરી પુરવઠો મેળવવામાં વિલંબ થાય છે.  
`તાંબાના ખાણકામમાં અપૂરતા રોકાણને લીધે પુરવઠો રૂંધાઇ રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન બજારમાં જોવા મળેલી ઉથલપાથલ અને અફરાતફરીને કારણે રોકાણકારો મૂડી નાખતા અચકાય છે, જયારે ભારત અને ચીન જેવા દેશોમાં ઉર્જા સંક્રમણ અને ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ ઝડપભેર વધી રહ્યું છે. તાંબા ઉદ્યોગે માગને પહોંચી વળવું હોય તો મોટાપાયે રોકાણની જરૂર છે,` એમ રિસ્ટેડ એનર્જીના નિષ્ણાત જેમ્સ લે એ જણાવ્યું હતું.  
તાંબામાં રોકાણ કરવું જોખમી છે. અત્યારનું ખાણકામ લગભગ પૂર્ણ ક્ષમતાએ ચાલે છે. કાચી ધાતુની ગુણવત્તા કથળી છે અને ખનિજના ભંડારો પણ ઘટવા લાગ્યા છે એટલે ઉત્પાદન ખર્ચ અને કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ તાંબાના ભાવ હાલમાં ઊંચા ચાલતા હોવાથી રોકાણકારો વધુ જોખમ ખેડવા તૈયાર થાય તેવી શક્યતા છે.  
કુદરતી ઉર્જાની વિકસતી જતી બજારે તાંબાની માગને બળ પૂરું પાડ્યું છે અને ભાવ વધારવામાં ફાળો આપ્યો છે. કોરોના મહામારીમાં તાંબાના ભાવ 70 ટકા વધ્યા છે. વધુમાં ઓમિક્રોનના ફેલાવાને કારણે ઘણે ઠેકાણે પુરવઠો ખોરવાઈ જવાથી 2022ના પ્રારંભે તાંબાના ભાવ સર્વોચ્ચ સપાટીએ હતા.   
તાંબામાં નવું રોકાણ આવવાના સંયોગો ધૂંધળા છે તે જોતાં વર્ષ 2023થી જ પુરવઠા ખાધ ઉગ્ર બની શકે. છેલ્લાં કેટલાંક વર્ષથી તાંબાના રોકાણકારો ઓછા જોખમે વધુ વળતર આપે તેવા પ્રોજેક્ટો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.  
ઇન્ડોનેશિયા અને કોંગોમાં તાંબાની નવી ખાણો શોધાઈ છે. પરંતુ ખનિજની નબળી ગુણવત્તા અને નાણાકીય અને રાજકીય અનિશ્ચિતતાઓને લીધે ઘણી ખાણો અવિકસિત રહે છે. વળી તેમના સંચાલકોએ રોકાણકારોને આકર્ષવા માટે ઉત્સર્જનનો પણ ખ્યાલ રાખવો પડે છે. હાલના સંજોગો જોતાં તાંબામાં રિસાયકાલિંગ પ્રવૃત્તિને વેગ મળવાની ઉજળી શક્યતા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer