ટૅક્સ ફ્રી પીએફ મર્યાદા વધારીને રૂા. પાંચ લાખ કરવામાં આવે તેવી શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 જાન્યુ.
પ્રોવિડન્ટ ફન્ડમાં પગારદાર કર્મચારીઓના પ્રતિ વર્ષ યોગદાન ઉપર કરમુક્તિની મર્યાદા કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ - બમણી કરીને રૂા. પાંચ લાખ કરવાનું સરકાર વિચારી રહી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે અત્યારે રૂા. અઢી લાખ સુધીના પીએફ યોગદાન ઉપરનું વ્યાજ કરમુક્ત છે જ્યારે સરકારી કર્મચારીઓ માટે રૂા. પાંચ લાખની મર્યાદા છે. પાછલા બજેટમાં નાણાપ્રધાને કંપનીના માલિકનું યોગદાન ન હોય તેવા પીએફ ભંડોળમાં કર્મચારીઓને રૂા. પાંચ લાખ સુધીના કૉન્ટ્રિબ્યુશન ઉપર વ્યાજની રકમ કરમુક્ત કરી હોવાથી તેનો લાભ માત્ર સરકારી કર્મચારીઓને મળતો હતો.
આ સંદર્ભે વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પીએફમાં કર્મચારીઓના યોગદાનને સરકારી કર્મચારીઓના સમકક્ષ મૂકી તફાવત (ભેદભાવ) દૂર કરવાની રજૂઆત થઈ હતી.
વ્યવહારુ ધોરણે જોવામાં આવે તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનું પીએફમાં યોગદાન તેમની કંપનીના માલિક સાથે પગાર (કોસ્ટ ટુ કંપની - સીટીસી)ના આધારે નક્કી થતું હોવાથી યોગદાનની કરમુક્ત ટોચમર્યાદા વધારવી વાજબી ગણાશે, એમ તેમણે જણાવ્યું હતું.
વેરા નિષ્ણાતોનું માનવું છે કે 1 એપ્રિલ, 2021 અથવા તે પછી થયેલા પીએફ યોગદાન ઉપર આ સુધારો લાગુ થઈ શકે. તેની પહેલાં થયેલાં યોગદાન અને વ્યાજ ઉપર નવા સૂચિત સુધારાની કોઈ અસર નહીં પડે. પાછલા વર્ષે પીએફ યોગદાનની રકમ રૂા. 2.50 લાખથી વધારે થઈ હોય તો તેના વ્યાજ ઉપર વાર્ષિક દરે ટૅક્સ લાગુ પડશે, એમ ડેલોઇટ ઇન્ડિયાનાં પાર્ટનર આરતી રાઉતેએ જણાવ્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer