મંદીવાળા વધુ આક્રમક બન્યા

સેન્સેક્ષ 1545 અને નિફ્ટી 468 પૉઈન્ટ્સ ઘટ્યો
સતત પાંચ દિવસથી વેચવાલીનો મારો ચલાવી રહેલા 
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 24 જાન્યુ.
વૈશ્વિક નકારાત્મક પરિબળોને લીધે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા અવિરત વેચવાલીને લીધે સતત પાંચમાં સત્રમાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થયો છે. સત્રના અંતે સેન્સેક્ષ 1545.67 પોઈન્ટ્સ (2.62 પોઈન્ટ્સ) ઘટીને 57,491.51ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી બાજુ એનએસઈમાં નિફ્ટી 468.10 પોઈન્ટ્સ (2.66 ટકા) ઘટીને 17,149.10ના સ્તરે બંધ રહ્યો હતો. 
વૈશ્વિક નકારાત્મક પરિબળોની વાત કરીએ તો મંગળવાર અને બુધવારે અમેરિકામાં ફેડરલ રિઝર્વની માટિંગ છે, જેમાં વ્યાજ દરમાં વધારો થવાની શક્યતા છે. આ વર્ષની શરૂઆતથી નાસ્દાક 14 ટકા જેટલો ઘટ્યો છે, જેથી સ્થાનિકમાં આઈટી કંપનીઓના શૅર ભાવ ઉપર અસર પડી રહી છે. યુક્રેન-રશિયા વચ્ચે પણ તણાવ યથાવત્ છે. આ સિવાય આગામી સમયમાં બજેટની જાહેરાત પૂર્વે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા છે. એશિયામાં ચીન અને તાઈવાન સિવાય દરેક શૅરબજારોમાં ઘટાડો થયો હતો જેની અસર સેન્સેક્ષ-નિફ્ટી ઉપર અસર પડી હતી. શૅરબજારમાં સેન્ટિમેન્ટ એ હદે નકારાત્મક હતું કે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ ફોરેન એક્સચેન્જ રિઝર્વના જાહેર કરેલા આંકડાની પણ અસર પડી નહીં. રિપોર્ટ અનુસાર, 14 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ 2.229 અબજ ડૉલર વધીને 634.965 અબજ ડૉલર થયું હતું.  
નિફ્ટીમાં 450 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા અને 2938 કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા. ઉપરાંત 100 કંપનીઓના શૅર ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, તાતા સ્ટીલ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝના શૅર ભાવ સૌથી અધિક ઘટ્યા હતા, જ્યારે આજના નોંધપાત્ર કડાકાની વચ્ચે સિપ્લા અને ઓએનજીસીના શૅર ભાવ વધ્યા હતા.  
ક્ષેત્રવાર સૂચકાંકોમાં અૉટો, મેટલ, આઈટી, પાવર, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી, કેપિટલ ગુડ્સના બેથી છ ટકાની રેન્જમાં ઘટ્યા હતા. વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ પ્રત્યેક ચાર ટકા 
ઘટ્યો હતો. 
દલાલ સ્ટ્રીટનો સ્કોરકાર્ડ 
સોમવારે બીએસઈમાં 3706 કંપનીઓના શૅર્સમાં ટ્રાડિંગ થયું જેમાંથી 513 કંપનીઓના શૅર ભાવ વધ્યા અને 3070 શૅરના ભાવ ઘટ્યા હતા. જ્યારે 123 કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા. કુલ 252 કંપનીઓના શૅર ભાવ બાવન અઠવાડિયાની ટોચને અને 68 કંપનીઓના શૅર ભાવ બાવન અઠવાડિયાની નીચલી સપાટીને સ્પર્શયા હતા. 259 કંપનીઓને અપર સર્કિટ અને 920 કંપનીઓને લોઅર સર્કિટ લાગી હતી.  
ડિસેમ્બર ત્રિમાસિકનો સ્કોરકાર્ડ પૉઝિટિવ 
બીએસઈમાં અત્યાર સુધી જેટલા પણ ડિસેમ્બર ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર થયા તેમાં 157 પરિણામ (59 ટકા) પોઝિટિવ, 26 પરિણામ (10 ટકા) નેગેટિવ અને 84 પરિણામ (31) ટકા ફ્લેટ છે. 
બીએસઈમાં ટ્રેન્ડિંગ શૅર્સ 
આજે બીએસઈમાં આરતી ડ્રગ્સ, એબીબી, અદાણી ટ્રાન્સમિશન, એન્જલવન, કેસ્ટ્રોલ ઈન્ડિયા, એચડીએફસી એએમસી, એસબીઆઈ કાર્ડ, ઝાયડસ વેલનેસ, તાતા પાવર, એમએફએસએલ, પેટ્રોનેટ, આઈસીઆઈસીઆઈ બૅન્ક વગેરે શૅર્સ ટ્રેન્ડિગમાં હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer