અનેક નિયંત્રણોને કારણે જ્વેલર્સને નુકસાન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 24 જાન્યુ.
ગુજરાતમાં દૈનિક 15 હજારથી ઉપર સંક્રમણના કેસ આવવાનુ શરૂ થઇ ગયું છે. તેના પરિણામે લોકો સાવચેત થઇ ગયા છે. પ્રસંગો રદ્દ કે મુલતવી થતા જાય છે એની સીધી અસર ઝવેરી બજારની માગ પર પડી છે. સોના ચાંદીના વેપારીઓને લગ્નસરાની સીઝનમાં થતી હોય છે. પરંતુ આ સીઝનમાં જાણે વેપારીઓને કમાણીમાં વધુ એકવાર કોરોનાંનુ ગ્રહણ નડ્યુ છે. સરકારની ગાઈડલાઈનના કારણે સોની બજારમાં કમાવવાની સીઝનમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
લગ્નસરાની સિઝન ઝવેરીઓ માટે ખાસ હોય છે પરંતુ આ વર્ષે કોરાનાની ગાઈડલાઇનને કારણે ઝવેરીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના કારણે પરિવારોએ કરાવેલું દાગીનાનું બાકિંગ તો લોકો લઇ રહ્યા છે પરંતુ તાજી ઘરાકીનો અભાવ છે. લગ્નસરાની સિઝનમાં બેન્ડ બાજા, મહેંદી ડેકોરેશન સાથે સંકળાયેલા લોકો તૈયારીઓમાં મશગુલ છે. પરંતુ જવેલર્સમાં ગ્રાહકોની પાંખી હાજરી દેખાઈ રહી છે. જેની પાછળનું કારણ કોરોનાની ગાઇડલાઇન છે.
આ બાબતે વધુ માહિતી આપતા અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતુ કે કોરોનાના કારણે વેપાર ઠંડા પડી ગયા છે. કેમ કે લોકો હવે બહાર આવતા ગભરાય છે. વધુમાં વૈશ્વિક સ્તરે હેજ ફંડોની લેવાલીને કારણે સોનામાં રૂ. 600નો ઊછાળો આવતા હવે રૂ. 50,250ના સ્તરે આવી ગયુ છે. તે પણ એક કારણ ગણાવી શકાય. જે લોકોએ ઓર્ડર આપ્યો હતો તે લોકો માલ લઇ રહ્યા છે. પરંતુ નવી ઘરાકી સ્થગિત થઇ ગઇ છે. લગ્નસરાની ઘરાકીમાં ઓટો આવી છે. પરંતુ ઓનલાઇન ખરીદી વધી છે. હેજ ફંડો એમસીએક્સ, કોમેક્સમાં રોકાણ કરી રહ્યા છે પરંતુ ફિઝીકલ ઘરાકી ઘટી ગઇ છે.
અમદાવાદમાં અનેક જ્વેલર્સની દુકાનમાં પાંખી ઘરાકી દેખાઇ રહી છે જેથી તેમની પરેશાનીમાં વધારો થયો છે. નવેમ્બર ડિસેમ્બરની સિઝનમાં એડવાન્સ બાકિંગ કરાવી લેવામાં આવ્યું હતું. પરંતુ ફેબ્રુઆરી લગ્ન હોવાથી લોકોએ નક્કી કર્યું હતું કે કમુરતા પછી સોનાની ખરીદી કરીશું. એવામાં સરકારની ગાઈડલાઇનને કારણે એડવાન્સ બાકિંગ ઓર્ડર પર અસર પડી છે.
જવેલર્સને ત્યાં ફેબ્રુઆરીને લઇને ઘણા એડવાન્સ બાકિંગ હતા. પરંતુ ઘણા લોકોના રિસેપ્શન કેન્સલ થઈ ગયા છે. જ્યારે સોનાની વાત કરીએ તો લોકો જરૂર પૂરતું અને રીતિ રિવાજ હોય એટલું દીકરી અને દીકરાને આપી રહ્યા છે. જેના લગ્ન સ્થગિત રહ્યા છે એના દાગીના પણ હમણાં ઘડાવીને પેમેન્ટ હોલ્ટ પર રાખ્યું છે. ઘણા લોકોએ એડવાન્સ બાકિંગ કેન્સલ કરી લીધું છે. સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વર્ગ પણ અમદાવાદમાં છે જ્યારે હાથ પર રોકડ રહેવી જોઈએ એવું વિચારનાર વર્ગ પણ અમદાવાદમાં હોવાથી આવામાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે લગ્નની ખરીદીમાં જ્વેલર્સને નુકસાન થવાની સંભાવના છે.
સોના-ચાંદીને લાગ્યું કોરોનાનું ગ્રહણ
