જામનગરમાં અજમાની સિઝન જામી

જામનગરમાં અજમાની સિઝન જામી
રોજિંદી પાંચેક હજાર ગૂણી સુધી આવક પહોંચી ગઇ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 24 જાન્યુ. 
જામનગરમાં અજમાની સિઝન બરાબર જામી છે. અજમાની આવક માટે જામનગર મુખ્ય મથક ગણાય છે જ્યાં રોજ સાડા ચારથી પાંચ હજાર ગુણીની આવક થવા લાગી છે. ચાલુ વર્ષે ઉત્પાદન 1 લાખ ગુણી જેટલું સૌરાષ્ટ્ર વિસ્તારમાં થવાનો અંદાજ છે. એમાંથી આશરે 30 ટકા જેટલી આવક સંપન્ન થઇ ગઇ હોવાનો અંદાજ છે. 
અજમાના અગ્રણી વેપારી હર્ષવદન કોઠારી કહે છે, અજમાની આવક 10-12 દિવસથી ખૂબ સારી છે. ઠંડી અને કોરોનાને લીધે માગમાં પણ વધારો થતા અજમાના ખૂબ સારાં ભાવ  ખેડૂતોને મળી રહ્યા છે. નીચાંમાં મણે રૂ. 1800-2000 અને ઉંચામાં રૂ. 5500-6000 સુધીના ભાવ ચાલે છે. બેસ્ટ ક્વોલિટી રૂ. 7000 સુધી પણ વેચાય છે. તેમણે ઉમેર્યું કે, આ વર્ષે માવઠાંને લીધે રેઇન ડેમેજ માલ વધારે થઇ ગયો છે. ઉંચામાં ઉંચા ભાવ ચૂકવવા છતાં મનગમતાં ગ્રીન અજમા ઓછાં દેખાય છે. 
જામનગર યાર્ડમાં નવા સાથે જૂનો અજમો પણ વેચાય છે. જૂના માલનો ભાવ રૂ. 2200-2300 હતો તે વધીને માગને લીધે અત્યારે રૂ. 2700-2800 સુધી પહોંચી ગયો છે.  
ગુજરાતમાં ચોમાસુ અજમાનું ઉત્પાદન 1 લાખ ગુણી જેટલું થવાનો અંદાજ છે. હજુ ઉનાળામાં પણ પુષ્કળ પાક આવતો હોય છે. જોકે તેનો અંદાજ વાવેતર થાય પછી આવશે. અત્યારે નિકાસની માગ ઓછી છે પણ સ્થાનિક માગ ખૂબ સારીદેખાય છે. માવઠાં અને વિપરિત આબોહવાને લીધે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના માલમાં પણ ડેમેજ થોડાં પ્રમાણમાં થયું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer