રાજ્યમાં બટાટાની નવી સિઝનનો આરંભ

રાજ્યમાં બટાટાની નવી સિઝનનો આરંભ
ઉત્પાદન સાધારણ ઘટવાની સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 24 જાન્યુ. 
બટાટાની નવી સિઝનનો આરંભ પાછલા એક પખવાડિયાથી થઇ ગયો છે. નવા બટાટા આવવા લાગ્યા છે એટલે પાકના અંદાજો પણ લગાવાય છે. ચાલુ વર્ષે વાવેતર ઓછું થતા ઉત્પાદનમાં પાંચથી સાત ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા દેખાય છે. ગુજરાતનું ઉત્પાદન આશરે સાડા પાંચથી છ કરોડ કટ્ટા જેટલું થવાની સંભાવના છે. ગયા વર્ષમાં ઉત્પાદન 10 ટકા જેટલું વધારે થયું હતુ. પરિણામે ભાવમાં મંદી જોવા મળી હતી. જોકે મંદીને લીધે સ્ટોકિસ્ટોએ વ્યાપક પ્રમાણમાં નુક્સાની પણ કરી હતી. 
ગુજરાતમાં ગયા વર્ષે બટાટાનું વાવેતર 6.03 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું હતુ. તે આ વર્ષે 5.86 લાખ હેક્ટર સુધી સિમિત રહ્યું છે. વાવેતરમાં મોટો ઘટાડો નથી એટલે ઉતારો હવામાનને આધારે સુધરે તો ઉત્પાદન ગયા વર્ષથી ખાસ ઘટે તેમ નથી. 
ડિસાના અભ્યાસુ વેપારીઓના કહેવા પ્રમાણે ગુજરાતમાં વાવેતર સામાન્ય ઘટ્યું છે પણ ઉત્પાદન ગયા વર્ષની આસપાસ થઇ શકે તેમ છે. આ વર્ષે અગાઉ ઓછો વરસાદ અને પછી માવઠાં થયા છે એટલે પાકમાં થોડી નુક્સાની પણ ગઇ છે. ડિસા અને ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાંઓમાં પાકમાં રોગ પણ આવી ગયાની ફરિયાદ આવી રહી છે. ઉત્પાદનનો આરંભિક અંદાજ સાડા પાંચથી છ કરોડ કટ્ટા જેટલો વ્યક્ત કરવામાં આવે છે. 
ડિસામાં નવી આવક રોજની 8થી 10 હજાર ગુણી આસપાસ થવા લાગી છે. 20 કિલોનો ભાવ રૂ.120-160 સુધી ચાલે છે. ફેબ્રુઆરીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી શકાય એવો માલ આવશે. નવા બટાટાની ગુણવત્તા સાધારણ હોવાને લીધે ખેડૂતોને ફરજિયાત બજારમાં વેંચી દેવા પડી રહ્યા છે. રોજબરોજ ખાવાના ઉપયોગમાં જ લેવાય છે. 
એક વેપારી કહે છે, ગયા વર્ષે સ્ટોકિસ્ટોને વ્યાપક નુક્સીન ગઇ હતી. પાછલા વર્ષે સ્ટોકમાં ખૂબ માલ ગયો હતો પરંતુ તેનો નિકાલ નહીં થઇ શકતા સ્ટોકિસ્ટોએ નાણા ગુમાવ્યા છે. કોરોનાની બીજી લહેરને લીધે ઉઠાવમાં ફરક પડી ગયો અને બાદમાં સ્ટોકિસ્ટો ફસાયા હતા.  
બટાટાની ભાવિ તેજી-મંદી માટે બંગાળ, ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા મહત્વના રાજ્યોના પાકનો અંદાજ પણ અગત્યનો બનશે. આ રાજ્યોમાં પણ માવઠાં અને વાતાવરણની પ્રતિકૂળતાને લીધે પાકને નુક્સાન થયું છે. બધાના ઉત્પાદન સારાં આવે તો બટાટાના ભાવ જળવાશે પણ પાક ઉત્પાદનમાં ખાંચો પડશે તો ભાવ ઉંચકાઇ શકે છે. હાલ બટાટાની આવક જોરશોરથી થવાની હોવાથી ભાવમાં તેજીની શક્યતા નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer