એચઆર કોઇલ્સ, સીઆર શીટ્સના ભાવ ઊંચા રાખવાનો મરણિયો પ્રયાસ

એચઆર કોઇલ્સ, સીઆર શીટ્સના ભાવ ઊંચા રાખવાનો મરણિયો પ્રયાસ
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 24 જાન્યુ.  
વૈશ્વિક બજારોમાં ભારતના પ્રાઈમ સ્ટીલ ની માગ 10થી 15 ટકા ઘટવાના અહેવાલ છે. ચીનનો ઘટેલો વપરાશ અને યુરોપ-અમેરિકામાં કોરોનાના ફેલાવા ઉપરાંત સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહનને લીધે ભારત સહિત અનેક દેશોના લોખંડની નિકાસ ઘટી છે અને ભારતીય સ્ટીલ ઉત્પાદકોને અત્યાર સુધી ઊંચે ટકાવી રાખેલા ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી છે એમ સ્થાનિક સપ્લાયરોએ જણાવ્યું હતું. આને પગલે જેએસડબ્લયુ સ્ટીલ સહિતની અન્ય મુખ્ય કંપનીઓએ સ્થાનિક બજારમાં પુરવઠો ઘટાડીને ભાવ જાળવવાનો અખતરો કર્યો હતો. પરંતુ ગણતરીના દિવસોમાં જ ભાવ પુન: દબાણમાં આવી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  
મુંબઈમાં ખાસ કરીને કન્ઝ્યુમર ડયુરેબલ્સ અને બોક્ષ જેવી ચીજોનો ઉપાડ ઘટવાથી પતરા-શીટની માગ ઘટી છે તેથી ઉત્પાદકોએ ટન દીઠ રૂા. 4,000 સુધી ભાવ વધારવા કરેલ પ્રયાસ નિષ્ફળ ગયા છે એમ એક સ્થાનિક સપ્લાયરે જણાવ્યું હતું. આમ મુખ્યત્વે એચઆર કોઈલ્સ અને સીઆર શીટસના ભાવ ઘટીને અનુક્રમે ટન દીઠ રૂા. 63,000 અને રૂા. 70,000-71,000 વચ્ચે બોલાય છે એમ બીમાના ભૂતપૂર્વ પ્રમુખ અનિશ વળિયાએ 'વ્યાપાર'ને જણાવ્યું હતું.  
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા અઠવાડિયા સુધી વડોદરા આસપાસનાં ઔદ્યોગિક એકમોની માગ સારી હતી, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં કોરોનાના હજારો નવા કેસો નોંધાતાં નવી માગ પર ગંભીર અસર થવાની પ્રબળ શક્યતા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer