કન્ટેનરની અછતથી નિકાસકારો બ્રેક બલ્ક જહાજો દ્વારા મોકલવા મજબૂર

કન્ટેનરની અછતથી નિકાસકારો બ્રેક બલ્ક જહાજો દ્વારા મોકલવા મજબૂર
ચેન્નાઈ, તા. 24 જાન્યુ.
સમુદ્રમાર્ગે માલ મોકલવા માટેનાં કન્ટેનરની તીવ્ર તંગીને કારણે કેટલાક નિકાસકારો પોતાનો માલ કન્ટેનર વાહક જહાજોને બદલે છૂટો માલ લઈ જતાં બ્રેકબલ્ક જહાજોમાં મોકલવા માંડયા છે.
કંડલા, કાકીનાડા અને કૃષ્ણ પટિનમ જેવાં બંદરોએથી હવે ચોખા, મકાઈ, મરચાં, સોયાખોળ, શણ, સિમેન્ટની ગૂણીઓ અને સ્ટીલના માલસામાન જેવી ચીજવસ્તુઓ બ્રેક બલ્કમાં ઘાના અને ટૉંગા સહિતના આફ્રિકન દેશોમાં મોકલાઈ રહી છે.
આ રીતે માલ મોકલવાની પ્રથા ત્રણેક દાયકા પૂર્વે ચલણમાં હતી. જેનું સ્થાન કન્ટેનર જહાજોએ લીધું હતું.
``આ પરિવર્તન થોડા સમય પૂરતું જ હશે. પરંતુ કન્ટેનરોની તંગી કેટલી લાંબી ચાલશે તે અમને ખબર નથી.'' એમ ખેતપેદાશોના ચેન્નાઈ સ્થિત નિકાસકાર એમ મદન પ્રકાશે કહ્યું હતું.
``એક ટન માલ કન્ટેનરમાં આફ્રિકા મોકલવાનો ખર્ચ 120 ડૉલર આવે છે જ્યારે બ્રેક બલ્કમાં તે 90 ડૉલર થાય છે. બે વર્ષ પહેલાં પરિસ્થિતિ આનાથી ઉલટી હતી.
કન્ટેનરોના પરિવહન ખર્ચમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાને કારણે નિકાસકારોને બ્રેક બલ્કનો આશ્રય લેવાની ફરજ પડી છે, એમ નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય ઇશ્વર અચંતાએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના રાજ્ય પ્રધાન અનુપ્રિયા પટેલે હમણાં રાજ્યસભામાં કન્ટેનરની અછત વિશેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે વધુ જહાજો અને કન્ટેનરોને કામે લગાડવા અનેક ટાસ્ક ફોર્સ પ્રયાસ કરી રહ્યા છે. શક્ય હોય ત્યાં બલ્ક અથવા બ્રેક બલ્ક તરીકે માલ મોકલવાની શક્યતા પણ તે તપાસી રહ્યા છે.
ઇન્ટરનેશનલ ક્લિયરિંગ ઍન્ડ શિપિંગ એજન્સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી. રઘુ શંકરે કહ્યું કે નિકાસ માલ બ્રેક બલ્ક તરીકે મોકલવાનો વિચાર સારો છે, પણ તેની વ્યવહારુતા તપાસવી પડે. કન્ટેનરોથી વિરુદ્ધ રીતે બ્રેક બલ્ક તરીકે માલ મોકલવો હોય તો અમુક લઘુતમ વૉલ્યુમ જરૂરી છે. જેથી જહાજો ભારતનાં બંદરો સુધી આવવા કબૂલ થાય. તે ઉપરાંત બ્રેક બલ્ક માલની હેરફેર ચડઉતરમાં કાર્યદક્ષતાના પણ પ્રશ્નો ઊભા થાય.
 મોટા આયાતકારો/નિકાસકારો કન્ટેનરને બદલે બ્રેક બલ્કનો વિકલ્પ અપનાવી શકે અને માર્ચના અંત સુધીમાં કન્ટેનરની અછત પૂરેપૂરી નહીં તો મહદંશે દૂર થઈ જશે એમ શંકરે કહ્યું હતું.
ચેન્નાઈસ્થિત લૉજિસ્ટિક્સ નિષ્ણાત એન્નારાસુ કરુણેશને કહ્યું કે કન્ટેનરોનો લાભ એ છે કે તેમાં ચોરી થતી નથી અને તેની હેરફેર ઝડપી હોય છે. તેથી બ્રેક બલ્ક તરફનો ઝોક માત્ર કામચલાઉ છે. લાંબે ગાળે બ્રેક બલ્કની હેરફેર પોષાણક્ષમ નથી.
બ્રેક બલ્ક તરીકે 15,000 ટન માલ જહાજમાં ચડાવતા દસેક દિવસ લાગી જાય. તેની સામે 15,000 ટન માલ 1000 કન્ટેનરમાં ભરતાં બાર કલાક પણ ન લાગે, એમ તેમણે કહ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer