કમોસમી વરસાદ, કરા પડવાથી રવી પાકમાં વિલંબ

કમોસમી વરસાદ, કરા પડવાથી રવી પાકમાં વિલંબ
કોલકાતા, તા. 24 જાન્યુ.
ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી રબી પાકની લણણી વિલંબમાં પડી છે. ખાસ કરીને રાયડો-સરસવ, ઘઉં, ચણા અને બટેટાના પાકને અસર થઈ છે.
રાયડાનો પાક સામાન્ય રીતે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે બજારમાં આવી જવો જોઈએ, પરંતુ આ વખતે તે ત્રણ અઠવાડિયા વિલંબમાં પડવાની ધારણા છે કેમ કે જ્યાં સુધી ખેતરો સૂકાય નહીં ત્યાં સુધી લણણી શરૂ નહીં 
થઈ શકે, નવા પાકની આવકો ઢીલમાં પડવાની શક્યતા જોતાં જ સરસવ તેલનો ભાવ ગયે અઠવાડિયે લિટરે પાંચ રૂપિયા વધી ગયો છે.
જાન્યુઆરીના બીજા સપ્તાહથી શરૂ થયેલા કમોસમી વરસાદથી અમુક પાકને લાભ તો કેટલાકને નુકસાન થયું છે. રાજસ્થાનમાં કોટા, ધોલપુર અને ભરતપુર જિલ્લામાં આ મહિને કરા પડવાથી સરસવ અને ચણાના પાકને ભારે નુકસાન થયું છે એમ ક્રિસિલ રિસર્ચના ડિરેક્ટર હેતલ ગાંધીએ જણાવ્યું હતું.
જોકે સરસવ અને ચણા માટે આ તબક્કે થતો વરસાદ પાકને લાભકારક મનાય છે. પરંતુ તે લાંબો વખત ચાલુ રહે તો સરસવના દાણામાં તેલનું પ્રમાણ ઘટે છે અને ચણાની ગુણવત્તા નબળી પડે છે. 
`આ વર્ષે રાયડા-સરસવનો વાવેતર વિસ્તાર ગયા વર્ષના 72.5 લાખ હેક્ટરથી વધીને 90 લાખ હેક્ટર થયો છે. રાયડા-સરસવનો પાક આ વર્ષે 106 લાખ ટન ઉતરવાનો અમારો અંદાજ છે.' એમ સોલ્વન્ટ એષ્સ્ટેકેટર્સ ઍસોસિયેશનના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ કહ્યું હતું.
ઘઉંની વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વધુ પડતા વરસાદથી છોડના મૂળ નજીક પાણી ભરાઈ ગયાં છે જેને લીધે પાક પીળો પડી ગયો છે. જો વરસાદ બંધ થાય તો પાકના ઉતારા પર ખાસ અસર નહીં પડે. જોકે આ તબક્કે હવામાં ઠંડક હોય તે પાક માટે લાભકારક છે એમ ગાંધીએ કહ્યું હતું.
જોકે કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં બટેટાના પાકને થવાનું અનુમાન છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બટેટાના પાકને અમુક વિસ્તારોમાં લેટ બ્લાઈટ તરીકે ઓળખાતો રોગ લાગુ પડયો છે, જે ઉતારાને અસર કરે છે. પંજાબમાં અતિવૃષ્ટિથી 10થી 15 વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે.
રાયડા-સરસવના ભાવ હાલ ક્વિન્ટલ દીઠ રૂા. 8200 જેવા ચાલે છે. લણણી વિલંબમાં પડવાના સમાચાર છતાં સરસવના કે તેલના ભાવ પર ખાસ અસર નથી કારણ કે બજાર પાક મોટો આવવાની શક્યતાને ગણતરીમાં લઈ રહ્યું છે એમ ગાંધીએ જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer