માવઠાંથી કઠોળના ઊભા પાકને ફાયદો : ઉતારા વધશે

માવઠાંથી કઠોળના ઊભા પાકને ફાયદો : ઉતારા વધશે
ડી. કે. 
મુંબઇ, તા. 24 જાન્યુ. 
કુદરતનો કહેર પણ ઘણી વાર ભૂમિપુત્રો માટે મહેર બની જતો હોય છે. તાજેતરમાં થયેલા માવઠાંના કારણે રવી સિઝનના પાકને નુકસાન થવાની ભિતી સર્જાઇ હતી. પરંતુ મધ્ય તથા ઉત્તર ભારતનાં ઘણા વિસ્તારોમાં આ વરસાદથી કઠોળનાં પાકને ફાયદો થયો હોવાના અહેવાલ છે. ખાસ કરીને ચણા, મગ તથા અડદના ઉભા પાકના ઉતારા વધશે એવું જાણવા મળે છે.  
ઉત્તર તથા મધ્ય ભારતનાં અંતરિયાળ વિસ્તારોમાં તાજેતરમાં થયેલા  વરસાદના કારણે હવામાનનની સાથે પાકનું ચિત્ર પણ બદલાવાના સંકેત મળે છે. બેશક જે વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો ત્યાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં નુકસાન થયું છે પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં થોડો-થોડ અને સમયાંતરે વરસાદ થયો હતો. વળી બે ઝાપટાં વચ્ચે સુર્યપ્રકાશ પણ સારો હતો તેથી કઠોળનાં છોડનો સારો વિકાસ થતાં કઠોળનાં ઉતારા વધવાની આશા બંધાણી છે. હાલમાં પણ ઉત્તર તથા મધ્યભારતનાં મથકોઐ વાદળીયું વાતાવરણ હોવાથી આગામી એક અઠવાડિયું ખેડૂતો માટે મહત્વનું સાબિત થશે.  
એક તરફ ઉત્તરપ્રદેશમાં  વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાક વધવાથી ખેડૂતોને વધુ લાભ કરાવવા માટે સરકારે નાફેડને સુચનાઓ આપી છે. હાલમાં ઉપભોક્તાઓને ઉંચા ભાવ આપવા ન પડે તે માટે નાફેડચણા વેચી રહ્યું છે. આ ઉપરાંત 2.06 લાખ ટનની આયાતનો ટેકો હોવાથી પણ ભાવ ટકેલા છે. સરકારી સૂત્રોના અહેવાલો પ્રમાણે નાફેડ માર્ચ-22 થી નવા કઠોળની ખરીદી શરૂ કરશે.    
સરકારે ગત સપ્તાહના અંતે જાહેર કરેલા આંકડા પ્રમાણે આ વખતે રવિ સિઝનમાં દેશમાં કુલ 679 લાખ હેક્ટરમાં વાવેતર થયાં છે જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 672 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. આમ તો ઘઉં તથા ખાદ્યાન્નનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું અને તેલિબીયાંનું વાવેતર વધારે થયું હોવાનું જણાવાયું છે.  દેશમાં તેલીબિયાંનું વાવેતર ગત વર્ષની સરખામણીઐ કુલ 22 ટકા જેટલું વધારે નોંધાયું છે. ખાસ કરીને સરસવનું વાવેતર સૌથી વધારે છૈ.   ઘઉંનું વાવેતર ગત વર્ષનાં 345 લાખ હેક્ટરની તુલનાઐ આ વખે 341 લાખ હેક્ટરમાં નોંધાયું છે. જ્યારે ચણા, મગ તથા અડદ જેવા કઠોળનું વાવેતર ગત વર્ષ કરતાં થોડું વધારે એટલે કે 164 લાખ હેક્ટરમાં નોંધાયું છે. જો કે કઠોળનાં વાવેતરમાં પણ ચણાનું વાવેતર 47 ટકા જેટલું છૈ. તેથી ચણાના પાકને કોઇ વાંધો નહી આવે એવું જાણવા મળે છે. એફ.સી.આઇ. ઘઉંની ખરીદી એપ્રિલ-22 નાં પ્રથમ સપ્તાહમાં શરૂ કરશે એવા અહેવાલ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer