ભારતીયો અન્ય ખાદ્યતેલો તરફ વળશે

ભારતીયો અન્ય ખાદ્યતેલો તરફ વળશે
ઈન્ડોનેશિયાએ પામ તેલ ઉપર પ્રતિબંધ લાદતાં 
મુંબઈ, તા. 24 જાન્યુ. 
ભારતમાં આયાત થતા પામ તેલમાંથી 60 ટકા જથ્થો ઈન્ડોનેશિયાથી આયાત થાય છે. પરંતુ હવે ઈન્ડોનેશિયા પામ તેલની નિકાસ મર્યાદિત કરવાનું વિચારી રહ્યો હોવાથી પામ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે અને તેના પગલે અગ્રણી આયાતકાર ભારત પામ તેલના પૂરક એવા સોય અને સૂર્યમુખીના તેલ તરફ વળે તેવી સંભાવના છે, જેથી બજારની તેજીને બ્રેક લાગી શકે. 
ઉદ્યોગના વિશ્લેષકોનું કહેવું છે કે ભારત, ઈન્ડોનેશિયાના સ્પર્ધક મલેશિયાથી પામ તેલની આયાત વધારે એવું પણ બને, પરંતુ એમ કરવાથી પણ માગ અને પુરવઠા વચ્ચેનો તફાવત પૂરી શકાશે નહીં. 
ઈન્ડોનેશિયા સ્થાનિક ખાદ્ય તેલોના ભાવને અંકુશમાં લાવવા પામ તેલની નિકાસો મર્યાદિત કરે એવી સંભાવના છે. ભારતની પામ તેલની આયાતોમાં ઈન્ડોનેશિયાનો ફાળો 60 ટકા અને મલેશિયાનો આશરે 40 ટકા છે. ભારતની ખાદ્ય તેલોની કુલ વાર્ષિક આયાતો 1.3 કરોડ ટનથી 1.5 કરોડ ટન છે, જેમાં બે-તૃતિયાંશ હિસ્સો પામ તેલનો છે. 
ઈન્ડોનેશિયાના સમાચારે પામ તેલના ભાવને 20મી જાન્યુઆરીએ 5228 રિંગિટ પ્રતિ ટનની વિક્રમી ટોચે પહોંચાડ્યા હતા, પરંતુ ભારતીય ઉદ્યોગકારો જણાવે છે કે વિશ્વમાં ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર એવો ભારત, જો ખરીદી ઘટાડીને પ્રતિક્રિયા આપશે તો તેજી શમી જશે. જોકે, તેની પ્રત્યાઘાતી અસર અમેરિકાના સોય તેલના વાયદા અને ટર્કીના બ્લેક સી રિજનમાં સૂર્યમુખી તેલ સહિત અન્ય ખાદ્ય તેલોના બજારમાં જોવા મળશે. 
ખાદ્ય તેલની બ્રોકરેજ અને કન્સલ્ટન્ટ સનવિન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ સંદીપ બજોરિયાએ જણાવ્યું કે પામ તેલની તેજીને પગલે પામ તેમજ અન્ય ખાદ્ય તેલો વચ્ચેનો ભાવ તફાવત નોંધપાત્ર રીતે 
ઘટ્યો છે, જેનાથી ભારતીય ગ્રાહકો સોય અને સૂર્યમુખીના તેલ તરફ વળે તેવી સંભાવના છે. 
ફેબ્રુઆરીની આયાત માટે ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) ખર્ચ, વીમો અને નૂર સહિત પ્રતિ ટન 1410 ડોલર છે, જેની સામે ક્રૂડ સોય બીન તેલ પ્રતિ ટન 1450 ડોલર અને સૂર્યમુખી તેલ 1420 ડોલર છે. 
મુંબઈના એક ડીલરે જણાવ્યું કે ભારતમાં ટ્રેડરો કરાર કરે તે પછી આયાતી પામ તેલ ત્રણથી ચાર અઠવાડિયે દેશમાં પહોંચે છે, પરંતુ સોય તેલ લાંબી યાત્રા કરીને આવતું હોવાથી તેને બે મહિના થાય છે. જી.જી. પટેલ એન્ડ નિખિલ રિસર્ચ કંપનીના મેનાજિંગ ડિરેક્ટર ગાવિંદ પટેલે જણાવ્યું કે ભારતીય ગ્રાહકો મલેશિયા તરફ વળશે, પરંતુ એમ કરવાથી પણ ઈન્ડોનેશિયાની આયાત બંધ થવાને કારણે પડેલો તફાવત પૂરો થઈ શકશે નહીં. પાંચ દાયકાથી ખાદ્ય તેલમાં ટ્રાડિંગ કરી રહેલા પટેલે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં ભારતની પામ તેલની આયાત ઘટીને પાંચ લાખ ટન થશે, જ્યારે સોય અને સૂર્યમુખી તેલની સંયુક્ત આયાત વધીને છ લાખ ટન થઈ છે. ભારત, સોય તેલની આયાત આર્જેન્ટિના અને બ્રાઝિલથી, જ્યારે સૂર્યમુખીના તેલની આયાત રશિયા અને યુક્રેનથી કરે છે. 
ભારતીય ગ્રાહકો માટે સૂર્યમુખીના તેલના ભાવ ખૂબ આકર્ષક છે, પરંતુ વેપારીઓ જણાવે છે કે તેઓ યુક્રેનની સરહદો નજીક રશિયાનું સૈન્ય ખડકાયું છે, તેવી સ્થિતિમાં ભૂરાજકીય તંગદિલીને કારણે યુક્રેનના નિકાસકારો ઉપર અમુક જથ્થાથી વધુ આયાત કરી શકે નહીં.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer