સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 17 મે 
સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં 1800 ડોલરનું મથાળું જાળવી રાખવામાં સફળ થતા સુધરીને મજબૂત થઇ ગયો હતો. ગઇકાલે સાડા ત્રણ મહિનાની તળિયાની સપાટી જોવાયા પછી 1828 ડોલર સુધી ઉછાળો આવ્યો હતો. અમેરિકી ડોલરના મૂલ્યમાં ઉંચા મથાળે વેચવાલી નીકળી હતી પરિણામે સોનું સુધર્યું હતુ. જોકે સેન્ટિમેન્ટ નકારાત્મક રહ્યું હતુ. 
કરન્સી બજારમાં ડોલરની કિંમતમાં ઘસારો જોવા મળ્યો  હતો. યીલ્ડ પણ 3 ટકાની નીચે પહોંચી ગયા હતા તેના કારણે સોનાને સુધારા માટે બળ મળ્યું હતુ. જોકે સોનાનો સુધારો પ્રત્યાઘાતી છે અને તેનાથી વધુ તેજી થાય એની કોઇ ગેરંટી આપી શકાય એમ નહીં હોવાનું વિષ્લેષકો કહે છે. 
સોમવારે સોનું 1786 ડોલરની નીચલી સપાટીએ ગયું હતુ. 
એ ડોલરની પૂરપાટ તેજીને આભારી છે. જોકે રિકવરી પણ સારી આવી હતી. 
એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો માર્ચ મહિના પછીના તળિયે પહોંચી ગઇ છે. ફંડો દ્વારા ઉંચા મથાળે ભારે વેચવાલી આવી છે. ચાર્ટીસ્ટો કહે છેકે, સોનાનો ભાવ સુધરે ત્યારે ડોલરની નબળાઇ અને ઘટે ત્યારે ડોલરની તેજી સિવાયના કોઇ કાણો ઉલબ્ધ નથી.અમેરિકાના વ્યાજદરમાં આવનારા દિવસોમાં વધુ સુધારો કરવામાં આવશે તેવી આશા હોવાથી ડોલર અત્યારે કિંગમેકરની ભૂમિકામાં છે. 
ચાંદીનાભાવ પણ અત્યારે દબાણ હેઠળ છે. મંગળવારનો ઉછાળો બાઉન્સબેક જેવો ગણી શકાય. આજે શોર્ટકવરીંગ જોવા મળતા ભાવ 21.70 ડોલરની સપાટીએ પહોંચ્યા હતા.  
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધતા ધરાવતા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.360 ઉંચકાતા રૂ. 52360 અને મુંબઇમાં રૂ. 288 વધીને રૂ. 50593 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 1400ની તેજીમાં રૂ. 62400 તથા મુંબઇમાં રૂ. 1260 વધતા રૂ. 61302 રહી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer