ઘરઆંગણે બનતા માલમાં ભાવવધારો ઝીંકાયો
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 17 મે
ચીનમાં કોરોનાના કેસ વધતાં કડક નિયંત્રણો લાગુ કરાયા છે. મોટાભાગના શહેરોમાં તાળાબંધી કરાતાં દુનિયાભરમાં કાચામાલની અછત ઉભી થઇ છે. સુરતમાં સાડી-ડ્રેસમાં લગાવવામાં આવતાં સ્ટોન, ટીકી સહિતનો કાચામાલ ચીનથી આયાત કરાય છે. ચીનથી પુરવઠો આવતો બંધ થતાં ઉત્પાદનને અસર પહોંચી છે.
અનેક મહિલાઓની રોજગારી પ્રભાવિત થઇ છે.
લગભગ દરેક ક્ષેત્રે કાચામાલના પૂરવઠાને અસર પહોંચી હોવાથી તૈયાર માલની કિંમતમાં વધારો થયો છે. કિંમત વધતા રીટેઇલમાં લોકોની ઘરાકી ઓછી થઇ હોવાથી વેપારીઓ ભારે મુંઝાયા છે. સાડી-ડ્રેસમાં લગાવવામાં આવતા ટીકી તેમજ સ્ટોનની આવક ઓછી થતાં કામકાજને અસર પહોંચી છે.
સાડી, ડ્રેસ, ચણિયા-ચોળીમાં 1 એમએમથી લઇને 10 એમએમ સુધીના સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટોન ચીનથી આયાત કરવામાં આવે છે. છેલ્લા પંદર દિવસથી ચીનમાં કોરોનાને કારણે કડક નિયંત્રણો લાગુ થતાં આયાત લગભગ ઠપ્પ થઇ છે.
સાડી-ડ્રેસમાં સ્થાનિક લેવલે જોબવર્ક કરાવનાર ભાવેશભાઇ પટેલ કહે છે કે, કોરોના આવ્યો ત્યારથી સ્ટોનના સ્ટોકની અછત વર્તાઇ રહી છે. સ્ટોન ન આવવાના કારણે સ્થાનિક લેવલે જે ઉત્પાદક છે તેઓએ સ્ટોનના ભાવમાં દોઢ ગણો વધારો કર્યો છે. જેના કારણે સાડી-ડ્રેસના જોબવર્કનો ભાવ વધ્યો છે અને તૈયાર પ્રોડક્ટની કિંમત પણ વધી છે.
સુરતમાં બનતા સાડી-ડ્રેસ-ચણીયા ચોલીને વધુ ડેકોરેટીવ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સ્ટોન-ટીકી અને ડીઝાઇનર દોરાની આયાત ચીનથી થાય છે. ચીનથી માલસામાન આવતો ઓછો થયો છે ત્યારે તેની ઘરઆંગણે ઉત્પાદન જે થાય તે જથ્થો પૂરતો નથી. તેમજ વેપારીઓના પેમેન્ટ જોબવર્કમાં ફસાયા હોવાથી પેમેન્ટની મુશ્કેલી ઉભી છે.
સ્થાનિક સ્ટોનનો વેપાર કરતા અનિલભાઇ પટેલ જણાવે છે કે, સુરતમાં બનતી ડીઝાઇનર સાડી, ચોલી, બ્લાઉઝ અને ડ્રેસમાં 80 ટકા ચીની સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટોન લગાવ્યા વિના ડીઝાઇનર આઉટફીટનો લૂક સારો ન થતા વેચાણ પણ ઓછુ થાય છે.
ચીનથી કાચામાલની આવક બંધ થતાં ઘરઆંગણે બનતા સ્ટોન બે ગણા મોંઘા છે. 1 થી 10 એમએમના ચીનના સ્ટોનની કિંમત રૂપિયા 3.50 થી રૂપિયા 10 સુધી છે. તેમની સરખામણીએ ઘરઆંગણે બનતા સ્ટોન રૂપિયા 7 થી લઇને રૂપિયા 20 સુધીના છે.
સુરતમાં મોટી સંખ્યામાં મહિલાઓ સ્ટોન-ટીકી લગાવવાનું કામ કરે છે. અનેક મહિલાઓ મહિને રૂા. 10 હજારથી 25 હજાર સુધીનું કામ કરતી હોય છે. કાચામાલની આવક ઠપ્પ થતાં મહિલાઓ પાસે કામકાજ ઘટ્યું છે.