પીઠી-મહેંદી પ્રસંગમાં રીઅલ ફ્લાવર આભૂષણ પહેરવાનો ક્રેઝ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 17 મે
કોરોનાને કારણે લગ્નસરાની સિઝન છેલ્લા 2 વર્ષથી અસરગ્રસ્ત થઇ હતી. જો કે આ વર્ષે લગ્ન ખૂબ છે એટલે લગ્ન સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગમાં પણ તેજી આવી છે. ત્યારે ખાસ કરીને દુલ્હા-દુલ્હનમાં મહેંદી, પીઠી, ગ્રહશાંતિના સમયે સોના-ચાંદીના આભૂષણોની સાથે સાચા ફૂલના ઓર્નામેન્ટસ પહેરવાનો ક્રેઝ વધ્યો છે. વર-વધૂના તૈયાર થતાં સાચા ફૂલના હાર, માથાની પીન, બાજુબંધની કિંમત અંદાજે રૂા. 1500 થી રૂા. 7000 સુધી છે. જે રીતે અલગ અલગ પ્રસંગે ડેકોરેશન માટે સાચા ફૂલોનો ઉપયોગ થાય છે. તે જ રીતે હવે લગ્ન પ્રસંગોમાં પણ દુલ્હનને સજાવવા માટે સાચા ફૂલોનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
45 વર્ષથી ફૂલના ધંધા સાથે સંકળાયેલા ચંદનભાઇ માળીએ જણાવ્યું હતું કે, હાલ લગ્નની સિઝન હોવાથી ફુલો અને સાચા ફુલોના ઘરેણા મહિને અંદાજે 500થી વધુ ઓર્ડર મળી રહ્યા છે. શિયાળાના સમયમાં લગ્ન પ્રસંગ માટે 50થી વધુ ઓર્ડર એડવાન્સ બુકીંગ મળ્યા હતા. ફૂલોમાં ભાવ વધારાને કારણે નેચરલ જવેલરીમાં 10 થી 15 ટકા જેવો ભાવ વધારો થયો છે. જો કે પ્રસંગ અનુસાર રૂપિયા 1500 હજારથી 7 હજાર સુધીની સાચા ફૂલની જવેલરી બને છે. એક ઓર્ડર પુરો કરવામાં 3 કલાકનો સમય લાગે છે. આ ઘરેણા માટે તગરી, જીપ્સી અને ઓકડનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તગરીમાં 10થી 15 ટકા, જીપ્સીમાં 50 ટકા અને ઓ કડના ફુલમાં પણ 50 ટકાથી વધુનો વધારો થયો છે.
પરેશભાઇ માળીએ જણાવ્યું હતું કે, સંસ્કૃતિ મુજબ શુભપ્રસંગો ફુલોથી જ શુશોભીત બનતા હોય છે. પાર્ટી હોય કે લગ્ન કે બર્થડે ડેકોરેશન માટે સાચા ફુલોનો ઉપયોગ થાય છે. એજ રીતે હવે લગ્ન પ્રસંગોમાં પણ દુલ્હનને સજાવવા માટે સાચા ફુલોનો ટ્રેન્ડ જોવા મળે છે.