ઇલેક્ટ્રિક વાહનોને સરકાર દ્વારા પ્રોત્સાહન છતાં ઇ-રિક્ષાનું વેચાણ નજીવું

પેસેન્જર ઇ-રિક્ષામાં બેટરી ચાર્જિંગનો સમય મોટી સમસ્યા
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 17 મે 
સરકાર ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરે છે. ઇ-બાઇક, ઇ-કાર ખરીદનારને સરકારી સબસીડી અને જે-તે કોર્પોરેશનો દ્વારા કેટલીક છૂટછાટનો લાભ આપવામાં આવે છે. પરંતુ બીજી તરફ સૌથી વધુ સમૂહ પરિવહનના સાધનોમાં ઉપયોગમાં લેવામાં આવતી ઇ-રીક્ષાના પ્રમોશનને લઇને તંત્રમાં ઉદાસીનતા છવાઇ હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે જાણવાનો પ્રયાસ કરતાં રાજ્યમાં ઇ-રીક્ષાનું વેચાણ નહિવત જેવું જણાયું છે.  
રાજ્યનાં ચાર મોટા શહેરોમાં લોકો પરિવહનના સાધન તરીકે રીક્ષાનો વધુ વપરાશ કરે છે. એમાં વળી સીએનજીના ભાવ વધતાં લોકોને શેરીંગ અને સ્પેશ્યલ રીક્ષાની ફેરીના વધુ ભાગ ચૂકવવા પડી રહ્યા છે. જેના કારણે જનસમૂહમાં પણ સામાન્ય પરિવહનમાં ઇ-રીક્ષાની માગ કરાઇ રહી છે પરંતુ રીક્ષાચાલક ઇ-રીક્ષા વસાવતા ન હોવાથી લોકોને તેનો લાભ મળતો નથી.  
રીક્ષા ચાલક પ્રવિણભાઇ પરમાર જણાવે છે કે, સીએનજીના ભાવમાં સતત વધારો થયો રહ્યો છે. જેને લઇ પેસેન્જર બેટરી ઇ-રીક્ષા વસાવવી પડી છે. એક દિવસમાં 100 કિલોમીટર ચાલી શકે છે. સીએનજીના ભાવ કરતા ખુબ ઓછા ભાવમાં આ રીક્ષા ચલાવી શકાય છે. એક દિવસનું બીલ રૂપિયા 10 થી 12 પડે છે. જો કે, આ ઇ-રીક્ષાની કેટલીક મર્યાદાઓ છે. જેમ કે બેટરી ચાર્જીંગનો સમય ચાર થી પાંચ કલાક જેટલો થાય છે. તેમજ દૂર પ્રવાસે જવું હોય તો ઇ-રીક્ષાની બેટરી અધવચ્ચે ક્યારે ઉતરી જાય તે કહેવું મુશ્કેલ.  
સરકાર દ્વારા બેટરી રીક્ષાને સબસીડી આપવામાં આવે છે પરંતુ રીક્ષા ચાલકો હજુ તેને વસાવવા માટે આગળ આવતા નથી. આ પાછળ રીક્ષાની ઉંચી કિંમત જવાબદાર હોવાનું જણાય રહ્યું છે.  
પ્રેસિડન્ટ મોટર્સના મેનેજર ભરતભાઇ ભરવાડે જણાવ્યું હતું કે,  પેસેન્જર બેટરી રીક્ષાનો ભાવ રૂપિયા 3,78,000ની આસપાસ છે. સરકાર દ્વારા રૂા. 70 હજારની સબસીડી અપાયછે. બેટરી રીક્ષામાં 3 પેસેન્જર અને એક ચલાવનાર એમ ચાર વ્યકિત બેસી શકે છે. રીક્ષા 340 કિલો વજનની ક્ષમતા ધરાવે છે. બેટરી વોલ્ટેજ પ્રમાણે ફીટીંગ કરવામાં આવે છે. 4 થી 5 કલાક ચાર્જ કર્યા પછી 130 કિલીમીટર ચલાવી શકાય છે. ઇ-રીક્ષાનું વેચાણ ઓછું થવા પાછળ ચાલકોને બેટરી અને સ્પીડના કારણે લેવાનું પસંદ કરતા ન હોવાનું અમને જણાયું છે. જો કે બેટરીની બે વર્ષની ગેરંટી કંપની આપે છે. રાજ્ય સરકાર દ્વારા ઝડપથી ચાર્જિંગ સ્ટેશનો કરાઇ રહ્યા છે એટલે આગામી સમયમાં વેચાણ વધે તેવી આશા છે. 
રીક્ષા ચાલક મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બેટરી રિક્ષાને ચાર્જ કરવા માટે 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે. જે સૌથી અકળાવનારું છે. ચાર્જીંગ સમય વધુ હોવાને કારણે અમે વધુ ફેરી કરી શકતા નથી. ચાર્જીંગ અને બેટરીના મામલે હજુય સારો વિકલ્પ મળે તો રીક્ષાની સંખ્યા વધશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer