સુવર્ણ યોજનામાં લઘુતમ ડિપૉઝિટનું પ્રમાણ ઘટાડાશે

નવી દિલ્હી, તા. 17 મે
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (જીએમએસ) હેઠળ જમા કરાવાતા સોનાની લઘુત્તમ મર્યાદા ઘટાડવાનું સરકાર વિચારી રહી છે, જેથી વધુ સંખ્યામાં પોતાની પાસેનું વધારાનું સોનું બૅન્કમાં જમા કરાવવા પ્રેરાય.
જીએમએસ યોજનાની કામગીરી તાજેતરના વર્ષોમાં થોડી સુધરી છે. પરંતુ સરકારે તેના માટે નક્કી કરેલા ઊંચા લક્ષ્યાંકો કરતાં હજી તે ઘણી દૂર છે. તેની લઘુત્તમ ડિપોઝીટની મર્યાદા હાલના 10 ગ્રામથી ઘટાડીને પાંચ ગ્રામ અને લાંબે ગાળે માત્ર 1 ગ્રામ કરાય, તેવી શક્યતા છે. ગયે વર્ષે આ મર્યાદા 30 ગ્રામથી ઘટાડીને 10ગ્રામ કરાઈ હતી, કારણ કે અગાઉની મર્યાદા સામાન્ય પરિવારો માટે વધુ પડતી ઊંચી મનાતી હતી. પરંતુ હાલની 10 ગ્રામની મર્યાદા પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે વધુ પડતી ઊંચી છે એવું ઍનાલિસ્ટોનું કહેવું છે. ભારતમાં 25000 ટન સોનું (અંદાજિત મૂલ્ય 1.6 લાખ કરોડ ડૉલર) પરિવારો અને ધર્મસ્થાનકો પાસે સંઘરાયેલું પડયું હોવાનો અંદાજ છે, જેમાંથી મોટાભાગનું ગ્રામીણ વિસ્તારોમાં હોવાનું મનાય છે.
એ જ રીતે બૅન્કમાં 50-100 ગ્રામ સોનું જમા કરાવવા માગતા લોકોને કરવેરાખાતું કોઈ સવાલ નહીં પૂછે. જીએમએસના નવા નિયમોને આખરી સ્વરૂપ આપતા પહેલાં સરકાર આ સૂચનો પર વિચાર કરી રહી છે.
આમાંથી કેટલાંક સૂચનો વિશે અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે. જોકે ત્યારે તે સ્વીકારાયાં ન હતાં, તે છતાં તેમાંથી કેટલાંક સૂચનો પર નવેસરથી વિચારણા થઈ રહી છે, એમ સૂત્રો એ જણાવ્યું. ગયે વર્ષે 2021-22માં સોનાની આયાત 33.4 ટકા વધીને 46.2 અબજ ડૉલર થઈ ગઈ અને આ વર્ષે પણ ભારે ફુગાવો જોતાં તેમાં હજી વધારો થવાની શક્યતા જોતાં સરકાર જીએમએસ યોજનાને ઉત્સાહભેર આગળ ધપાવવા માગે છે.
ઝવેરાત ઉદ્યોગના એક અગ્રણીના કહેવા મુજબ જીએમએસને ઉત્તેજન આપવા માટે ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સવલતો (પરીક્ષણ કરવા અને ગાળવા માટેનાં કેન્દ્રો) વધારવાની અને બૅન્કો દ્વારા પ્રબળ ઝુંબેશ ચલાવવાની જરૂર છે. આટલું કર્યા પછી મંદિરોનાં ટ્રસ્ટોને આકર્ષવાના પ્રયાસ થવા જોઇએ. એમની પાસે પુષ્કળ સોનું પડેલું છે. પરંતુ આને માટે આવકવેરા ખાતાએ પણ સ્પષ્ટ કહેવું જોઈએ કે સોનું જમા કરાવ્યા પછી તે ક્યાંથી આવ્યું તેના સવાલો નહીં પૂછાય અને ડિપોઝીટના બૅન્ક ખાતાની બિનજરૂરી તપાસ નહીં કરાય. 
નાણાપ્રધાન નિર્મલા સીતારામને અૉગસ્ટ 2021માં સંસદમાં કહ્યું હતું કે સરકારને વિવિધ સુવર્ણ યોજનાઓ હેઠળ રૂા. 31,290 કરોડ મળ્યા હતા, જે હાલના ભાવે 61 ટન સોનાની સમકક્ષ છે. જોકે, તે દેશના સોનાના વપરાશના સાવ નજીવો હિસ્સો છે. ભારતની સોનાની માગ સામાન્ય વર્ષમાં 700-800 ટન અંદાજાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer