સેન્સેક્ષે 54,000નું શિખર ફરી હાંસલ કર્યું

ચીનના સકારાત્મક અહેવાલ બાદ
મેટલ ઈન્ડેક્સ સાત ટકા ઊછળ્યો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 17 મે
સ્થાનિક શૅરબજારોમાં સૌના આશ્ચર્ય વચ્ચે સેન્સેક્ષ અને નિફટીએ મંગળવારે મોટી છલાંગ લગાવી હતી. ચીનમાં કોરોના સંબંધિત નિયંત્રણો ઘટયાના અહેવાલ છે. એપ્રિલનો હોલસેલ ફુગાવો વધીને 15.8 ટકા થવા છતાં આજે મુખ્યત્વે મેટલ ઈન્ડેક્સ સાત ટકા વધવાને ટેકે મોટા ભાગના ક્ષેત્રવાર ઈન્ડેક્સ બે ટકા ઊંચા મુકાયા હતા. બીએસઈ સેન્સેક્ષ 1344.63 પૉઈન્ટ વધીને 54,318 ઉપર બંધ હતો. જ્યારે નિફટી 417 પૉઈન્ટ સુધરીને પુન: 16,000 વટાવીને 16,259 બંધ રહ્યો હતો. આજે એશિયાનાં મોટા ભાગનાં શૅરબજારો પણ સુધરીને બંધ આવ્યાં હતાં.
છેલ્લા કેટલાક દિવસોથી સતત નકારાત્મક ચાલતાં વૈશ્વિક સાથે સ્થાનિક શૅરબજારમાં આજે ચીનના એક જ સકારાત્મક અહેવાલે જાણે પ્રાણ ફૂંક્યા હોવાનું બજારના દલાલો જણાવે છે. આંતરિક બજાર વર્તુળોના અનુમાન પ્રમાણે મંદીના ખેલાડીઓ આજે ઊંઘતા ઝડપાયા હતા. મેટલ-બૅન્કેક્સના જંગી સુધારાથી તેમને પણ વેચાણ કાપવા દોડવું પડયું હતું. જેથી બજારમાં આજે બમણી લેવાલી જોવાઈ હતી, પરંતુ વિદેશી રોકાણકારોએ સોમવારે 1788 કરોડની વેચવાલી કરી હતી.
શૅરબજારમાં સતત મંદીના વહેણ પછી આજે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો સુધારો થયો હતો. જેમાં મેટલ, ઊર્જા, બૅન્કિંગ શૅરોમાં મોટો સુધારો જંગી લેવાલીને લીધે થયો હતો. જેને લીધે 15 ફેબ્રુઆરી પછીનો સૌથી મોટો ઉછાળો જોવાયો હતો. આજે સુધરવામાં હિન્દાલ્કો 10 ટકા, તાતા સ્ટીલ-કોલ ઇન્ડિયા 7.6 ટકા, જેએસડબ્લ્યુ 6 ટકા વધ્યા હતા. ચોક્કસપણે વૈશ્વિક બજારો પણ સુધરવાને લીધે આજે સેન્સેક્ષને બહુ મોટું બળ મળ્યું હતું. બીએસઈ મિડકૅપ અને સ્મોલકૅપ ઈન્ડેક્સ અનુક્રમે 2.5 અને 2.8 ટકા વધ્યા હતા. નાના રોકાણકારોને થોડી રાહત થઈ હતી. સુધારામાં બળ પૂરનાર શૅરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, લાર્સન, વિપ્રો, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એચસીએલ ટેક્નૉલૉજી અને મારુતિ મુખ્ય હતા. એલકેપી સિક્યુરિટીઝના વડા એસ. રંગનાથને જણાવ્યું હતું કે મેટલ સાથે રિલાયન્સમાં મોટા સુધારાને લીધે ક્ષેત્રવાર ઈન્ડેક્સ પણ ઝડપી સુધર્યા હતા. દરમિયાન, એલઆઈસીનો મેગા ઈસ્યૂ છલકાયા પછી આજે લિસ્ટિંગ અૉફર ભાવથી 7.75 ટકા નીચે થયો હતો.
આજે એશિયન બજારોમાં હૉંગકૉંગ, સીઓલ, ટોક્યો, શાંઘાઈના બજારો સુધર્યાં હતાં. યુરોપમાં તેજી સાથે અમેરિકાનાં બજારમાં મિશ્ર ટ્રેડ હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer