એનએફટી અને મૅટાવર્સ ક્ષેત્રે આવી રહેલાં પરિવર્તનો

ક્રિપ્ટોકરન્સી સાથે અન્ય ડિજિટલ એસેટના ભાવોમાં પણ ઘટાડો 
રાજેશ ભાયાણી
મુંબઈ, તા. 17 મે
બિટકોઇન ક્રિપ્ટોકરન્સીઓ અને સ્ટેબલ કોઈનના ભાવોમાં દેખાયેલા કડાકામાં એની બાયપ્રોડક્ટ જેવા નોન ફિઝિબલ ટોકન (એનએફટી) અને ડિજિટલ લૅન્ડ અથવા મેટાવર્સની એસેટ્સના ભાવોમાં પણ કડાકો બોલાઈ ગયો છે.
આ બધી એસેટ્સના ભાવ ડૉલરમાં ગણીએ તો 30 ટકા સરેરાશ એક સપ્તાહમાં ઘટયા છે. બોર્ડ ઍપ યૉટ ક્લબના એફએટીમાં એક વાંદરાનો ફોટો છે અને તેના ભાવ 230 ઇથેરિયમ મહિના પહેલાં હતા જ્યારે ઇથેરિયમનો ભાવ 2700 ડૉલર હતો. એ હવે અડધાથી વધુ ઘટી ગયા છે. એનએફટીની બજાર નાની છે. ઓછા રોકાણકારો છે એમાં મેટાવર્સ તો માત્ર ટેક્નૉલૉજી તમને તમારી કલ્પનાની દુનિયામાં ડિજિટલ જમીન લેવાની તક આપે. આ બધું બ્લૉક ચેઇન ટેક્નૉલૉજીને આધારે બની રહ્યું છે.
બ્લૉક ચેઇન સાહસિક અને ઇમરટેક ઇનોવેશનના સીઈઓ ગૌરવ સોમવંશી કહે છે કે `એનએફટીની કિંમત તેની ઉપયોગિતા અથવા તેની પાછળ રહેલા સેન્ટિમેન્ટના આધારે નક્કી થાય છે. આમાં મહદઅંશે સટ્ટો જ ચાલે છે. વર્તમાન કડાકામાં સેન્ટિમેન્ટ આધારિત ભાવો વધ્યા હોય એ ઘટે છે પણ જેની ઉપયોગિતા છે એવા એનએફટીની માગ રહેશે. બજાર આમ ફિલ્ટરિંગની પ્રક્રિયા કરી રહ્યું છે.
ઉપયોગિતામાં દા.ત. અમિતાભ બચ્ચને તેના પિતાશ્રી હરિવંશ રાય બચ્ચનની કવિતા પોતાના અવાજમાં રેકોર્ડ કરીને તેની એનએફટી વેચી. આની ઉપયોગિતા ભવિષ્યમાં જણાતી હોવાથી તેના સોદા સીમિત હોય છે. જ્યારે યૉટ ક્લબના ફોટાની ઉપર વાત કરી તેના ભાવો તૂટે કારણ કે તે માત્ર સેન્ટિમેન્ટ છે.
તેમણે કહ્યું હતું કે ગત નવેમ્બરમાં ઉદયપુરના આર્ટિસ્ટ રવિ સોનીએ 6781 ચો.ફૂટના જગતના સૌથી મોટા ચિત્રનો વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુકમાં આવ્યો છે. આ ચિત્રનું એનએફટી બનાવીને વેચવાની પ્રક્રિયા ગૌરવ સોમવંશીની કંપની કરી રહી છે જેમાં એનએફટી સાથે ચિત્ર પણ વેચવામાં આવશે. આવું ટેન્જિબલ-એનએફટી જગતમાં પહેલવહેલું હશે.
સિદ્ધાર્થ સોગાણી, ફાઉન્ડર અને સીઈઓ, કેબ્રાકો, ક્રિપ્ટો એક્સ્ચેન્જ અને બ્લૉક ચેઇન રેટિંગ કંપની કહે છે કે, `હાલ એનએફટીના વિશ્વમાં માત્ર દશેક લાખ વપરાશકાર છે અને પ્રચાર અને કેટલું અલભ્ય કે રૅર છે એવા મુદ્દા પર ભાવ નક્કી થાય છે. પરંતુ આગળ જતાં અમે જ અમે પ્રોગ્રામેબલ એનએફટી બનાવવા પર કામ કરીએ છીએ. ભવિષ્ય એવા એનએફટીનું છે. મેટાવર્સ ક્ષેત્રે પણ આગળ જતાં ઇન્ટરએક્ટિવ મેટાવર્સ જોવાશે.' અત્યારે મોટા ભાગે ડિજિટલ જમીનોના હિસ્સા મેટાવર્સમાં વેચાય છે.
ટ્વીટરના જેક ડોરસીએ ટીવીટર પર કરાયેલી તેમની પહેલી ટ્વીટના ફોટાનું એનએફટી વેચ્યું ત્યારે તે 28 લાખ ડૉલરમાં વેચાયું જે હવે તૂટીને 2800 ડૉલરમાં ટ્રેડ થયું હતું, પરંતુ નેલ્સન મંડેલાના કુટુંબે બે સપ્તાહ પૂર્વે નાણાભીડ ઘટાડવા 1951માં નેલ્સન મંડેલાની થયેલી ધરપકડનો ફોટો એનએફટીમાં રૂપાંતર કરીને વેચીને પરિવારની નાણાકીય સમસ્યા હલ કરી લીધેલી, જ્યારે બૉલીવૂડ સ્ટાર સલમાન ખાન મેટાવર્સમાં જમીનો વેચી રહ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer