એલઆઇસીનો શૅર ડિસ્કાઉન્ટથી લિસ્ટ થયો, પણ એનાલિસ્ટો તેજીમય

મધ્યમથી લાંબાગાળા માટે એલઆઇસીનો શૅર આકર્ષક  
પીટીઆઇ                
મુંબઇ, તા. 17 મે 
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઇસી અૉફ  ઇન્ડિયાનો આઇપીઓ લગભગ ત્રણ ગણો છલકાયા બાદ આજે તેના શૅરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ સાથે થયું હતું. બજાર ખુલતાં જ શૅર આઠ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થતાં નાના રિટેલ રોકાણકારોને આંચકો લાગ્યો હતો, પરંતુ એનાલિસ્ટોનું કહેવું છે કે લાંબાગાળા માટે એલઆઇસીનો શૅર સારું વળતર અપાવશે. 
એલઆઇસીનો ઇસ્યુ ભાવ રૂ.949 નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ સત્રના આખરે બીએસઇમાં એલઆઇસીનો શૅર 7.75 ટકાના ઘટાડે રૂ.73.55 ઘટી રૂ.875.45ના સ્તરે બંધ આવ્યો હતો. આજે શૅરબજારોમાં અનેક સત્રો બાદ જોરદાર ખરીદી હોવા છતાં એલઆઇસીનો શૅર ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થતાં રોકાણકારો નારાજ થયા હતા જ્યારે અનેક રોકાણકારોએ ઘટયા મથાળે એલઆઇસીના શૅરની ખરીદી કરતાં સત્રના અંતે શૅર તેના ખૂલ્યા ભાવથી આશરે રૂ.15.35 વધીને બંધ આવ્યો હતો. 
એલઆઇસીના પોલિસીધારકોને પ્રતિ શૅર રૂ.889 અને રિટેલ રોકાણકારોને આ શૅર રૂ.904ના ડિસ્કાઉન્ટ ભાવે એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. 
લિસ્ટિંગ બાદ દિપમના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ કહ્યું કે, એલઆઇસીના નબળા લિસ્ટિંગ માટે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ કારણભૂત હતો, રોકાણકારોએ લાંબાગાળા માટે એલઆઇસીના શૅર જાળવી રાખવાથી તેમને ચોક્કસ લાભ થશે. 
એલઆઇસીના ચૅરમૅન એમ આર કુમારે કહ્યું કે આગળ જતાં શૅરના ભાવમાં વધારો થશે અને જે લોકો, ખાસ કરીને પોલિસીધારકો જેમને એલોટમેન્ટ નથી થયું તેઓ હવે સેકેન્ડરી માર્કેટમાંથી ખરીદી કરશે. લાંબા સમય સુધી એલઆઇસીનો શૅર દબાણ હેઠળ નહીં રહી શકે, એમ તેમણે ઉમેર્યું હતું.
જિઓજીત ફાઇનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હૅડ વિનોદ નાયરે એલઆઇસીમાં ટૂંકાથી મધ્યમ ગાળા માટે રોકાણ હિતાવહ હોવાનું જણાવી ઉમેર્યું કે, એલઆઇસીની માર્કેટમાં મજબૂત સ્થિતિ અને વીમા ક્ષેત્રના ઉજળા ભાવિના કારણે આવનારા સમયમાં કંપનીનો નફો વધશે.  
એકસીસ સિક્યુરિટીઝના એમડી અને સીઇઓ બી ગોપકુમારે રોકાણકારોને વર્તમાન સ્તરે એલઆઇસીનો શૅર નહીં વેચવાની સલાહ આપી છે અને તેને મધ્યમથી લાંબાગાળાના દ્રષ્ટીકોણ સાથે જાળવી રાખવાની સલાહ આપી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer