ઘઉંની નિકાસ ઉપરના પ્રતિબંધમાં રાહત

13મી મે પહેલાં સોંપાયેલા કન્સાઇન્મેન્ટને નિકાસ માટે મંજૂરી
એજન્સીસ
નવી દિલ્હી, તા. 17  મે 
કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ સંદર્ભે આજે કરેલી મહત્ત્વની સૂચના અનુસાર જે કન્સાઇન્મેન્ટ કસ્ટમ્સને એસેસમેન્ટ અને રજિસ્ટ્રેશન માટે 13મી મે પહેલાં સોંપવામાં આવ્યા હતા તેને નિકાસ માટે મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ગયા શનિવારે ઘઉંના સતત વધી રહેલા ભાવ વચ્ચે તેની નિકાસ ઉપર પ્રતિબંધ જાહેર કર્યે હતો. 
આ સાથે કેન્દ્ર સરકારે કંડલા પોર્ટમાં આવેલા અને ઇજિપ્ત જવાની રાહમાં પડેલા ઘઉંના કન્સસાઇન્મેન્ટને પણ ઇજિપ્ત માટે નિકાસ કરવાની પરવાનગી આપી છે. 
ઇજિપ્તે આ કન્સાઇન્મેન્ટ છૂટું કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 
ઇજિપ્ત માટે ઘઉંનું કન્સાઇન્મેન્ટનું લૉડિંગ થઇ રહ્યું ત્યારે તેને નિકાસ પ્રતિબંધ હેઠળ નહીં અટકાવવાની વિનંતી ઇજિપ્ત સરકારે ભારત સરકારને કરતાં તેને મંજૂરી અપાઇ હતી. 61,500 ટનના ઘઉંનું કન્સાઇન્મેન્ટ ઇજિપ્ત માટે મોકલવાની તૈયારીના ભાગરૂપે 44340 ટન ઘઉં ભરવામાં આવ્યા હતા અને પ્રતિબંધ આવ્યો ત્યારે 17160 ટન ઘઉં ભરવાના બાકી હતા. કેન્દ્ર સરકારે આખું કન્સાઇન્મેન્ટ ભરીને તેને ઇજિપ્ત માટે રવાના કરવાની પરવાનગી આપી હતી. 
નિકાસકારો દ્વારા લેટર અૉફ ક્રેડિટ (એલઓસી) ઇસ્યુ થઇ ગયા હોય, સરકાર દ્વારા અન્ન જરૂરિયાત પુરી કરવા માટે નિકાસકારોને અગાઉથી પરવાનગી મળી હોય તેવા દેશોને નિકાસ અને હવે કસ્ટમ્સમાં ક્લિયરન્સ માટે રાહ જોઇ રહેલા કન્સાઇન્મેન્ટને નિકાસ માટે પરવાનગી આપવાના નિર્ણયથી આયાતકારોને રાહત મળી છે. 
નિકાસકારો-વેપારીઓમાં અફડાતફડીનો માહોલ
દરમિયાન, મણિલાલ ગાલા મુંબઈથી જણાવે છે કે  કેન્દ્ર સરકારે રાતોરાત નિકાસ પર પ્રતિબંધ મૂકતાં નિકાસકારો અને વેપારીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ઘર આંગણે ઘઉંમાં ઐતિહાસિક તેજી આવ્યા બાદ અછતના ભયે સરકારે લીધેલા નિર્ણયને કેટલાક વેપારી સંગઠનોએ આવકાર આપ્યો છે તો કેટલાકે નિર્ણય વિલંબથી લીધો હોવાનું જણાવ્યું છે.
ભારતે છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 35 દેશોમાં ઘઉંની નિકાસ કરી હતી. ઘણા વર્ષોબાદ દેશના ખેડૂતોને આંતરરાષ્ટ્રીય ભાવ અને આંતરરાષ્ટ્રીય બજાર મળ્યું હતું અને સારી ગુણવત્તાને લીધે યુરોપિયન યુનિયન, યુએઈ, આફ્રિકન અને એશિયન દેશોમાં ભારતે તેનો દબદલો જમાવી દીધો હતો. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે તેની ટીમને ગત સપ્તાહમાં જ નવ દેશોની મુલાકાતે મોકલી હતી જેથી નિકાસ ઓર વધી શકે. ગત મહિનામાં રેલવે મંત્રાલયે ઘઉંની એક્સપોર્ટ કંપનીઓ અને વેપારીઓને 2000 રૅક્સ ફાળવી હતી અને એ પ્રયોગ સફળ પણ થયો હતો. આ વર્ષે ડીઝલના ભાવ ઊંચા હોવાથી ટ્રક ભાડાં બમણાં થઈ ગયાં હતાં. જેની અસર ઘરઆંગણેની બજાર પર પણ થઈ હતી. ગત વર્ષે 37 લાખ ટન ઘઉંની ભારતથી નિકાસ થઈ હતી અને ચાલુ નાણાંકીય વર્ષમાં આ નિકાસ 1.10 કરોડ ટનનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું હતું.
કૃષિ મંત્રાલયને અંદાજ હતો કે આ વર્ષે હોળી બાદ અચાનક કાળઝાળ ગરમી શરૂ થતાં ઘઉંના ઉતારા ઓછા આવશે અને સરકારે તમામ ઘઉં ઉત્પાદક રાજ્યોને 15 માર્ચથી ખરીદી કેન્દ્રો ખોલવાનો આદેશ આપ્યો હતો. પરંતુ સરકાર પ્રાપ્તિના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 2015ની સરખામણીમાં ખેડૂતોને ઓપન માર્કેટમાં લગભગ રૂા. 200થી 250 જેના ઊંચા ભાવ મળતાં આ વર્ષે સરકારી પ્રાપ્તિ છેક તળિયે ગઈ છે. ગત વર્ષે પ્રાપ્તિ 4.33 કરોડ ટનની સામે આ વર્ષે હજી સુધી પ્રાપ્તિ માંડ 1.80 કરોડ ટનની જ થઈ શકી છે.
ઘઉંના વિશ્લેષક દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું કે સરકારે નિકાસ પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. કેન્દ્ર સરકારની અનુમતીથી નિકાસ અૉર્ડર લઈ શકાશે અને જે તે દેશોની સરકાર તરફથી આયાતનો પ્રસ્તાવ આપશે તો ભારત નિકાસ કરશે. આ નિર્ણય અચાનક લેવાયાનું એક કારણ એ પણ છે કે કેટલાક દેશોએ તેમનાં ભંડાર ભરવાનું વિચાર્યું હતું અને એ દેશોમાં જ માલ વધુ લોડ થયો હતો જ્યારે કેન્દ્ર સરકારનું માનવું એવું હતું કે ભારતના ઘઉં માત્ર પસંદગીના દેશોને જ નહીં પણ જેને હકીકતમાં જરૂર છે તેમણે પણ મળવા જોઈએ. દાણાબંદરના વેપારીઓની પ્રતિષ્ઠિત સંસ્થા `ગ્રોમા'એ સરકારના નિર્ણયને આવકાર્યો હતો પણ તે વિલંબથી લેવાયો હોવાનું જણાવ્યું હતું.
દેશના અગ્રણી ફ્લોર મિલર અજય ગોયલે સરકારના નિર્ણયને સમયસરનું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેનાથી ઘરઆંગણે ભાવને નિયંત્રણમાં રાખી શકાશે. આ વર્ષે પ્રાપ્તિ અત્યંત ઓછી થઈ છે ત્યારે આ પગલું અનિવાર્ય હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer