શું વહેલું ચોમાસું જુલાઇ-અૉગસ્ટમાં વરસાદની ખેંચ ઊભી કરશે?

વચગાળાના સમય માટે ખેડૂતો અને સરકારની અગમચેતી જરૂરી 
ડી. કે 
મુંબઇ, તા. 17 મે 
આગામી સિઝનનું ચોમાસુ ભારતમાં વહેલું બેસવાનાં હવામાન ખાતાના અહેવાલો દેશભરમાં ચર્ચાના ચગડોળે છે. શું દેશમાં ચોમાસું એક સપ્તાહ વહેલું શરૂ થશે? અને જો આમ થાય તો શું વરસાદ અનિયમિત રહેશે? આવા સવાલો વહેતા થયા છે. ભલે આવા અનુમાનોને કોઇ વૈજ્ઞાનિક સમર્થન ન હોય પરંતુ અમુક આંકડા બોલે છે કે ચોમાસુ અનિયમિતતા લાવી શકે છે. જો કે આ વખતે હવામાન ખાતાએ દાવો કર્યો છે કે ચોમાસુ સામાન્ય અને નિયમિત આગળ વધશે. 
હવામાન ખાતાએ દાવો કર્યો છે કે આ વખતે ભારતમાં ચોમાસુ એક સપ્તાહ વહેલું બેસી શકે છે. વિભાગનાં અંદાજ પ્રમાણે ગુજરાતમાં 10 જુન સુધીમાં ચોમાસાનું આગમન થશે. જ્યારે કેરળમાં 20 મે આસપાસ તથા મુંબઇમાં જુન મહિનાનાં પ્રારંભે વરસાદ આવી શકે છે. આમ તો છેલ્લા થોડા દિવસોમાં અસાની અને કરીમ વાવાઝોડા થયા હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનો હવામાન ખાતાનો દાવો છે. 
સામાપક્ષે કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે વહેલા ચોમાસાને અને કૃષિ ઉત્પાદનના ઘટાડાને સીધો કોઇ સંબંધ હોવાનું હજુ સુધી સાબિત થયું નથી પણ અગાઉનાં આંકડા બોલે છે કે જો દેશમાં 23 મે થી 29 મે વચ્ચે ચોમાસું શરૂ થાય તો પાણીની સમસ્યા ઉભી થઇ શકે છે.  અગાઉ 1978-79, 1988-89, 2009-10 તથા 2018-19 જેવા વર્ષોમાં ભારતને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત છેલ્લા થોડા વર્ષોમાં એવું પણ જોવા મળ્યું છે કે જો 15 મે થી 15 જુનની વચ્ચે અતિભારે વરસાદ થયા બાદ 15 મી જુન થી 15 જુલાઇ વચ્ચે વરસાદ ખેંચાઇ ગયો હતો અને આ એવો સમય ગાળો છે જ્યારે ખેતરોમાં વાવેતર બાદ તુરત જ વરસાદની જરૂર હોય છે. 
ખાસ કરીને ખરિફ સિઝન માટે વહેલા ચોમાસાની અસર વધારે જોવા મળતી હોય છે. પહેળા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ઊભા પાક બળે છે. ઘણી જગ્યાએ હવે નહેરી સુવિધા થઇ છે તેથી હવે એવું પણ બને છે કે જુલાઇ-ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતો નહેરી પાણી થી પાકને બચાવી લે છે. પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાનાં અંતે એટલો મુશળધાર વરસાદ થાય છે કે ઊભા પાક પાણીમાં ડૂબીને કે વાવાઝોડામાં બેવડ વળીને નાશ પામે છે.    
અહીં કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ એવી છે કે હવામાન ખાતાની લાંબાગાળાની આગાહી દરેક વખતે સંપૂર્ણ સચોટ ન પણ હોય. આવા સંજોગોમાં જો વહેલું ચોમાસું શરૂ થાય તો વચ્ચેના સમયમાં વરસાદની ખેંચ ઊભી થવાની શક્યતાઓ સામે લડવાની ખેડૂતો અને સરકારે તૈયારી રાખવી પડશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer