અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 17 મે
નેચરલ હીરાની સાથે સિન્થેટીક કે લેબગ્રોન ડાયમંડ માગ દિવસને દિવસે વધી રહી છે. લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે ઘરઆંગણે ઘણું કામકાજ થઇ રહ્યું છે ત્યારે ઉદ્યોગે નવા માર્કેટની શોધ માટે આગળ વધવાની જરૂર છે. ચીનને આ ક્ષેત્રે અત્યારથી જ તંદુરસ્ત હરીફાઇ પૂરી પાડવા માટે પોલીસી બનાવવામાં આવે તો ચોક્કસ આગામી દિવસોમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી તેનાં લક્ષ્યાંક મુજબ આગળ વધી શકે તેમ છે. કેન્દ્ર સરકારે આ મામલે કમ્મર કસી હોય તેમ ઉદ્યોગકારોના એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજીને લેબગ્રોન ડાયમંડ માટે ખાસ નીતિ બનાવવા આગળ વધવાનું નક્કી કર્યું છે.
જીજેઇપીસી(જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ)ના નેજા હેઠળ હીરાઉદ્યોગકારોનું એક પ્રતિનિધિ મંડળ આજે દિલ્હી કેન્દ્રીય કોમર્સ મંત્રી પિયુષ ગોયલ સાથેની બેઠકમાં ભાગ લેશે અને લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય વિશે વિસ્તારથી રજૂઆત કરશે.
આજની બેઠકમાં સુરતમાંથી જીજેઇપીસીના ગુજરાત રીજનના ચેરમને દિનેશભાઇ નાવડિયા, જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ તેમજ ઉદ્યોગકારો મુકેશભાઇ કાંતલાલ, કેવલ વિરાણી, ચિરાગ ભથવારી, નરેશ લાઠિયા, સ્નેહલ ડુંગરાણી સહિતના ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી સમક્ષ લેબગ્રોન ડાયંમડ ઇન્ડસ્ટ્રીના એકશન પ્લાનનું પ્રેઝેન્ટેશન રજૂ કરશે.
નોંધવું કે, કોરોના પછી સુરતથી હીરાની નિકાસ વધી છે તેમાં લેબગ્રોન ડાયંમડનો જથ્થો મોટો છે. અમેરિકા લેબગ્રોન ડાયમંડ વેચાણ માટેનું મોટું માર્કેટ છે. ભારત અમેરિકા સિવાયના માર્કેટની શોધ ચલાવી રહ્યું છે. ચીનને આપણે આ ક્ષેત્રે તગડી હરીફાઇ આપી શકીએ તેમ છીએ.
લેબગ્રોન ડાયમંડ માટે ખાસ નીતિ બનશે
