જિનિંગ મિલોમાં કામકાજ સાવ ઘટી ગયાં
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 મે
સંકર રૂનો ભાવ સર્વકાલિન ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રના માણાવદરમાં બેસ્ટ ગુણવત્તાના રૂમાં બે દિવસથી ખાંડીએ(350 કિલો) રૂ. 1.10 લાખ અને રનીંગ સારા રૂમાં રૂ. 1.04 લાખના અકલ્પનીય ભાવમાં સોદા થઇ રહ્યા છે. કપાસની સમગ્ર વેલ્યૂચેઇનને વર્ષ આરંભથી થયેલી તેજીથી ભારે મુશ્કેલી પડી હતી. હવે સીઝન પૂરી થવાનો સમય છે ત્યારે પણ સમસ્યાઓ અપાર છે. જિનો નહીવત ચાલુ છે અને યાર્ન ઉદ્યોગને ઉત્પાદન કાપ મૂકવો પડ્યો છે. બીજી તરફ ગારમેન્ટ અને હોઝીયરીના ભાવમાં તોતીંગ વધારો થઇ ગયો છે છતાં ઉત્પાદન પોસાતું નથી.
સૌરાષઅટ્ર જિનર્સ એસોસીએશનમાંથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે મે મહિનાના મધ્યે જિનીંગ ઉદ્યોગ સાવ ધીમો પડી ગયો છે. ખેડૂતોનો કપાસ મોટેભાગે નીકળી ગયો છે એટલે હવે કાચા માલની સમસ્યા છે. જિનો ચલાવવા ખૂબ જ મુશ્કેલ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફક્ત 150-175 જિનો સક્રિય હોવાનો અંદાજ છે. એમાંથી મોટાંભાગની એક, બે કે ચાર દિવસ ચાલતી હશે. ઉત્પાદન સાવ ઓછું છે.
તેમણે ઉમેર્યું કે, ઉંચી ગુણવત્તાનો કપાસ રૂ. 2600 આસપાસ મળે છે. નબળો કપાસ સાથે ભેળવીને ગાંસડી બનાવાય તો રૂ. 1.06 લાખમા પડતર થાય છે. જોકે એનાથી સુપર ગાંસડી નથી બનતી એટલે રૂ. 1.02-1.04 લાખમાં વેચાય છે, રુ. 2000ની ડિસ્પેરિટી છે. છતાં રૂની ગાંસડીના ભાવમાં વધઘટ ભારે હોય છે એટલે જિનો પડતર બેસાડી દે છે. હવે ઉદ્યોગ ચલાવવાનું પોસાય તેવું નથી. ઉત્પાદકો કહે છે, ગાંસડીના ભાવમાં હજુ પાંચથી છ હજારની તેજી થઇ શકે છે.
યાર્ન ઉત્પાદકો ઉત્પાદનને સંપુર્ણ બંધ રાખી શકે તેમ નથી એટલે ગાંસડીની ખરીદી સારી છે પણ કારખાના ય ડિસ્પેરિટીમાં ચાલે છે એટલે ઉત્સાહ નથી. કપાસ-રૂ-યાર્નની તેજી રોકવા માટે ટેક્સટાઇલ ઉદ્યોગે બે ત્રણ વખત સરકાર પર દબાણ લાવ્યું છે. પરંતુ સરકારે કોઇ કાર્યવાહી કરી નથી. હવે સરકાર કોટનની નિકાસ બંધ કરવાનું વિચારી રહી છે. આ અંગે એક જિનરે કહ્યું કે, બે મહિનાથી નિકાસના કામકાજો થતા નથી એટલે સરકાર કદાચ આ નિર્ણય કરે તો પણ તેનો કોઇ અર્થ નથી. હવે સીઝન જ પૂરી થઇ ગઇ છે એટલે કશો ફેર પડવાનો નથી.
કપાસના વિક્રમી ભાવ પ્રાપ્ત થયા હોવાથી આ વર્ષે કપાસના વાવેતરમાં 20-25 ટકાનો વધારો થશે તેવી અટકળો બજારમાં ફરી રહી છે.
જોકે વાવેતર-ઉત્પાદનમાં વધારો થાય તો પણ નવી સીઝનમાં કપાસ રૂ. 1500-1700થી નીચાં ભાવમાં વેચાય એવી કોઇ સંભાવના હાલ દેખાતી નથી. ઉલ્ટુ હવે નવા લાખો સ્પીન્ડલોની ક્ષમતા તૈયાર થઇ રહી હોવાથી ઘરઆંગણે માગ પણ મોટી રહેવાની છે.
સંકર રૂ 1.10 લાખની ઐતિહાસિક ઊંચાઇએ
