શર્ટ, પેન્ટ સહિતના ગારમેન્ટના ભાવમાં 25થી 40 ટકાનો ઉછાળો

શર્ટ, પેન્ટ સહિતના ગારમેન્ટના ભાવમાં 25થી 40 ટકાનો ઉછાળો
ફેબ્રિક, કૉટન, તથા અન્ય કાચા માલમાં ભાવ વધી જતાં અસર 
પરાશર દવે  
અમદાવાદ, તા. 17 મે
છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યમાં કોરોનાનો ઓછાયો રહેતા અનેક ઉદ્યોગો પર માઠી અસર પડી છે. જ્યારે બજારો ખુલ્યા ત્યારે વૈશ્વિક પરિબળો, રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે મોંઘવારીએ માઝા મુકી છે. કાપડ ઉદ્યોગ સહિતના ઉદ્યોગોને કોરોનામાં બેસી રહેવુ પડ્યુ હતુ તો બીજી બાજુ બજારો ખુલ્યા ત્યારે મોંઘવારીનો મોં ફાડીને ઊભી છે. તેના કારણે પ્રજાને પણ આવશ્યક ચીજો જેમ કે શર્ટ, પેન્ટ, આંતરવસ્ત્રોની કિંમત 25થી 40 ટકા વધુ ચૂકવવાની ફરજ પડી છે.  
ગારમેન્ટ ઉદ્યોગમાં કપાસ, રૂની ગાંસડી, યાર્ન, ફેબ્રિક તેમજ ડેનિમના ભાવમાં થયેલા વધારાની અસર અંતિમ પેદાશો પડી છે. તેના કારણે  શર્ટ, ટી શર્ટ રૂ. 150થી 200માં મળતા હતા તે આજે વધીને રુ. 250થી 300ના થયા છે તેમજ પહેલા જે ડેનિમ જીન્સ રૂ. 600ની આસપાસ મળતુ હતુ તે વધીને રૂ. 900થી 1000ની આસપાસ પહોંચી ગયા છે.  
ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના અર્પણ શાહે જણાવ્યુ હતુ કે ફેબ્રિકના ભાવમાં એકંદરે 50 ટકાનો વધારો થયો છે તેમજ કોટનના ભાવ પણ વધી ગયા છે. જોકે વધેલા ભાવનો ફાયદો ઉત્પાદકો અને વેપારીઓને એ રીતે થયો કે વધ્યા ભાવે કોરોનાકાળનો પડેલો માલ વેચાઇ ગયો હતો. હોઝિયરીમાં લિંકર કપડુ પહેલા રૂ. 350ની આસપાસ વેચાતુ હતુ તે હવે રૂ. 450ના ભાવે વેચાય છે. પરંતુ હવે સ્થિતિ એ થઇ છે કે ઊંચા ભાવે કાચો માલ લેવો પડે છે. પરંતુ ધીમે ધીમે લોકોએ ભાવવધારો પચાવ્યો છે.  
માગ અને પુરવઠાની સ્થિતિ સરખી થતા વાર લાગશે તેમ ઉત્પાદકો કહે છે,  ઉત્પાદકોએ અને વેપારીઓએ પહેલા પોતાનો જૂનો સ્ટોક ખાલી કર્યો હતો. હવે કોટનના ભાવમાં કોઇ ઘટાડો થવાની શક્યતા નથી. કોટનના ભાવ ખાંડી દીઠ રૂ. 1 લાખને પાર થઇ ગઇ છે. અમારા ઉદ્યોગમાં ઓર્ડર આપે તે પછી સપ્લાયમાં બેથી ત્રણ મહિના લાગી જાય છે. તેની પ્રક્રિયા બહુ લાંબી હોય છે. પહેલા લોકોને ડર લાગતો હતો કે બે-ત્રણ મહિના પછી સપ્લાય થશે ત્યારે ભાવ ઘટી જશે તેવી દહેશતને કારણે અમુક કંપનીઓએ હાજરમાં માલ ઉઠાવવાનું પસંદ કર્યુ હતું.  
છેલ્લા દોઢ વર્ષથી જે રીતે ભાવ વધી રહ્યા છે તેમાં ક્યારેય ઘટાડો આવ્યો નથી. અમારા ઉદ્યોગમાં મુખ્ય કાચો માલ ફેબ્રિક અને યાર્ન છે. તેમજ એસેસરીઝ જેમ કે બટન્સ, મેટલ એમ દરેકમાં વધારો થયો છે. શર્ટીંગ, ડેનિમમાં પણ ભાવ વધ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે બ્રાન્ડેડ કંપનીઓમાં જોઇએ તો તેમને બ્રાન્ડીનો ખર્ચો લાગતો હોવાથી તેના ભાવ ઊંચા છે. જ્યારે આપણા બજારમાં તેજ ગુણવત્તા, ફિનીશીંગ સાથેનો માલ વેચાય છે. હાલમાં બ્રાન્ડેડ અને રેગ્યુલર પહેરનાર વર્ગો થોડો અલગ છે. વિખ્યાત વ્યક્તિઓમાં બ્રાન્ડેડનું આકર્ષણ છે. તેમ છતા નોન બ્રાન્ડેડ વસ્ર્તોને વિકસાવવાની ઘણી તકો છે. તેમણે જણાવ્યુ હતુ કે અમદાવાદમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટને પ્રદૂષણને કારણ બંધ કરાવાતા ડેનિમની પ્રક્રિયા પણ ગંભીર અસર પડી છે પરિણામે તેના ભાવમાં વધારો થયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer