યુએસએફડીએની ટીમ સ્વાસ્થ્ય ક્ષેત્રે પડકારોની ચર્ચા કરશે

યુએસએફડીએની ટીમ સ્વાસ્થ્ય ક્ષેત્રે પડકારોની ચર્ચા કરશે
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 17 મે 
યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે આજે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની ટીમ સાથે લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગે વિચાર-વિમર્શ શરૂ કર્યો છે. જેના થકી બંને સંસ્થાઓના અધિકારીઓના જ્ઞાનમાં વધારો થશે અને લોકોને ઉતમ સ્વાસ્થ્ય પૂરું પાડવામાં મદદગાર પુરવાર થશે.  
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયાએ કહ્યું કે, આ મુલાકાત દરમિયાન એફડીસીએ ગુજરાત અને યુએસએફડીએના અધિકારીઓ ડ્રગ ઇન્સ્પેક્શન લાઇફસાઇકલ: સાઇટ પસંદગી, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, મૂલ્યાંકન અને રેગ્યુલેટરી એકશન, કેસ સ્ટડી ઉપર ચર્ચા કરશે અને યુએસએફડીએની આગેવાની હેઠળના થતા ઇન્સ્પેકશનમાં ગુજરાત એફડીસીએના અધિકારીઓ ચર્ચા વિચારણા હાથ ધરશે.  
આ બેઠક દરમિયાન યુએસએફડીએના ડૉ. સારહ મેક્મુલન, ડૉ. નાતાલી મીકેલસન, એક્ટીંગ ડેપ્યુટી ડાયરેક્ટર તથા અન્ય સભ્યો સહિત ગુજરાત એફડીસીએના ફૂડ એન્ડ ડ્રગના સિનિયર અધિકારીઓ અને ડ્રગ્ઝ ક્ન્ટ્રોલર, ઇન્ડિયા દ્વારા પ્રતિનિયુકત ડ્રગ્ઝ અધિકારીઓએ ભાગ લઈ બંને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે ટેકનિકલ એડવાન્સમેન્ટ અને અન્ય કાયદાકીય સંબંધિત માહિતી અંગે વિચાર વિમર્શ કરશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer