કેસર કેરીના ભાવ બમણા છતાં ખેડૂતોને વળતર નથી

કેસર કેરીના ભાવ બમણા છતાં ખેડૂતોને વળતર નથી
પાક ખૂબ નબળો થવાથી ખેડૂતો ખોટમાં
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.17 મે 
કેસર કેરીના પાકને કુદરતના કારમા ફટકાનું ગ્રહણ લાગી ગયું છે. પાક ખૂબ નબળો છે એટલે મે મહિનો મધ્યાહને છે છતાં કેરીની આવકમાં બહુ જ ધીમો વધારો થઇ રહ્યો છે એટલે સામાન્ય લોકો માટે ભાવ પ્રશ્ને સુલભ નથી. ગયા વર્ષ કરતા બમણા ભાવમાં કેસર કેરીની હરાજી થઇ રહી છે. છતાં ખેડૂતોને વળતર નથી કારણકે પાકનો જથ્થો ખૂબ જ ઓછો હાથ લાગ્યો છે. 
તાલાલા માર્કેટ યાર્ડમાં છેલ્લાં ચાર દિવસથી આવકમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. સોમવારે સાડા આઠ હજાર બોક્સની આવક થઇ હતી. 27મી એપ્રિલથી હરાજી શરૂ થઇ છે ત્યારથી આ સૌથી ઉંચી આવક છે. જોકે મે મહિનો ભરસીઝનનો ગણાય છે આ સમયે સામાન્યવર્ષોમાં રોજ 25-30 હજાર હોક્સની આવક થતી હોય છે. આવકો ત્રીજા ભાગની થઇ ચૂકી છે. 
તાલાલા યાર્ડના એક કર્મચારીએ કહ્યું કે, આવક વધી રહી છે પણ કસ વિનાના કામકાજ છે. આંબા વાવાઝોડાં અને પછી કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને લીધે ચમક ગૂમાવી ચૂક્યાં છે. અનેક આંબા આ મહિનામાં ખાલી થઇ ગયા છે એ જ મોટી કરૂણતા છે. ઘણા બધા બચીતાઓમાં તો ખાવા પૂરતી કેરી પણ થઇ નથી એટલે આવકો પણ ખૂબ જ નીચી છે. પાછલા વર્ષે 16મી મે ના દિવસે યાર્ડમાં 28,200 બોક્સની આવક હતી. જ્યારે 2022માં ફક્ત 8,500 બોક્સ ઠલવાયા હતા. આવકોને ગંભીર ફટકો પહોંચ્યાનું સ્પષ્ટ છે.  હવે આવનારા દિવસોમાં આવક સુધરીને માંડ 15 હજાર બોક્સની નજીક જઇ શકે છે. 
તાલાલા યાર્ડમાં કેરીની આવક અંગેના આંકડા તપાસતા સ્પષ્ટ થયું છેકે ગયા વર્ષે 4થી મેના દિવસે હરાજી શરૂ કરવામાં આવી હતી છતાં 16મી મે સુધીમાં 2.12 લાખ બોક્સની આવક થઇ ગઇ હતી. જ્યારે આ વખતે હરાજી આઠ દિવસ વહેલી થઇ હોવા છતાં કુલ આકનો આંકડો એક લાખ બોક્સને વટાવી શક્યો નથી. સોમવાર સુધીના 20 દિવસમાં ફક્ત 80,206 બોક્સ આવી શક્યા છે. 
પાતળી આવકને લીધે કેસર કેરીના ભાવ આસમાને છે. મે મહિનાના મધ્યે પણ 10 કિલોના બોક્સ દીઠ રૂ. 575-1225 સુધી સોમવારે રહ્યા હતા. ગયા વર્ષે આ તારીખે રૂ. 240-770માં વેચાણ થયું હતુ. કેરીના ભાવ બમણા જેટલા છે. છતાં ખેડૂતોને વળતર મળે એવું નથી કારણકે પાકનો જથ્થો ખૂબ જ ઓછો આવ્યો છે. ઉતારો ઘટવાને લીધે ભાવ મળે તો પણ એની સામે નુક્સાની મોટી હોવાનો વસવસો ખેડૂતોનો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer