રાજ્યમાં ચોમાસું વહેલું પ્રવેશે તેવી સંભાવના

રાજ્યમાં ચોમાસું વહેલું પ્રવેશે તેવી સંભાવના
આ મહિને હવામાન ગરમ જ રહેવાની ધારણા
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 17 મે 
માર્ચ મહિનાના અંતથી ગરમી કાળો કેર વર્તાવી રહી છે અને હજુ મે મહિનામાં નાછૂટકે ગરમી સહન કરવી પડે તેમ છે. ગરમીથી અકળાયેલા લોકો હવે વરસાદની આગાહી પર મીટ માંડીને બેઠાં છે. ગુજરાતમાં ચોમાસાની આરંભિક આગાહી શરૂ થઇ છે. એ પ્રમાણે આ વર્ષે 15 જૂન આસપાસ કે એ પહેલા ચોમાસાનો આરંભ થઇ જાય એવી શક્યતા છે. 
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે નૈઋત્યનું ચોમાસું સોમવારે ભારતમાં પ્રવેશી ગયું છે. બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં અને અંદામાન તથા નિકોબાર ટાપુ પર તેની અસર દેખાય છે. પ્રિમોન્સૂન પ્રવૃત્તિ હવે શરૂ થઇ છે. ચાર કે પાંચ દિવસમાં કર્ણાટક અને કેરળના દરિયાઇ વિસ્તારમાં તથા મેઘાલય, અરૂણાચલ અને આસામમાં વરસાદનું આગમન થાય એવી શક્યતા વધી ગઇ છે.  
પાછલા વર્ષે ગુજરાતમાં સરેરાશ 98.48 ટકા વરસાદ પડતા સરેરાશ 32-33 ઇંચ વરસાદ થયો હતો. ચોમાસાની અત્યાર સુધી થયેલી આગાહી સામાન્ય છે એટલે લોકોને રાહત પડે તેમ છે. સ્કાયમેટના અંદાજ પ્રમાણે ગુજરાતમાં હજુ ગરમી ચાલુ રહેશે. મે મહિનાના 14 દિવસ પસાર કરવાના છે એ પછી ગરમીમાં થોડી રાહત મળશે. બે દિવસ રાહત છે પણ ફરીથઈ હિટવેવ આવવાની શક્યતા છે. જોકે હવે તાપમાન 45 ડિગ્રી મહત્તમ રહી શકે છે. 
વરસાદ બાબતે કહ્યું કે, કેરળમાં 25 મે આસપાસ ચોમાસાનું આગમન થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન અને 15-20 જૂન આસપાસ રાજ્યના મોટાંભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ જાય એવી ઉજળી સંભાવના છે. મે મહિનો ઉતરતા ગુજરાતમાં ચોમાસા જેવો અનુભવ શરૂ થઇ જાય એમ છે. વરસાદ સામાન્ય પડે તેવું લાગતું હોવાથી વાવેતર પણ સમયસર થવાના છે. આ વર્ષે ય કપાસ અને મગફળીના વાવેતર જોરશોરથી થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer