ડૉલરની મજબૂતીથી ચાંદીમાં ઝડપી ઘટાડો

ડૉલરની મજબૂતીથી ચાંદીમાં ઝડપી ઘટાડો
ભાવ 20.84 ડૉલરનું બે વર્ષનું નવું તળિયું બનાવી થોડા સુધર્યા  
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 17 મે
ચાંદીના ભાવ વેગથી ઘટી રહ્યા છે. 6 જૂન 2021ના રોજ ચાંદીએ તાજેતરની ઊંચાઈ 28.90 ડોલર પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ) પ્રાપ્ત કરી હતી. હવે  છેલ્લા 19માંથી સતત 17 દિવસ ચાંદી ઘટીને બંધ રહી હતી. ચાંદીના ભાવ સોમવારે કામકાજ દરમિયાન 20.84 ડોલરની જૂન 2020 પછીનું નવું તળિયું બનાવ્યા પછી 21.97 ડોલર બંધ રહ્યા હતા. ચાર્ટ ચાંદીમાં હજુ વધારે મંદીનું સૂચન કરે છે.  
ડોલરની મજબૂતીએ ચાંદીના મંદીવાળાને ભાવ તોડવા માટેનું જબ્બર હથિયાર આપી દીધું છે. છ ચલણોના બાસ્કેટનો બનેલો ડોલર ઇન્ડેક્સ 104.58 ની વીસ વર્ષની નવી ઊંચી સપાટીને આંબી ગયો છે. ચાંદી વાયદામાં ચાર્ટના સંકેત મંદીતરફી મળવા લાગતાં જ સટોડિયાઓએ તકનો બરાબરનો લાભ લીધો છે.  
રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે ખતમ થશે તે નિશ્ચિત નહીં હોવા સાથે, ચીનમાં કોરોનાપ્રેરિત લોકડાઉન, ક્રિપ્ટો કરન્સીમાં સતત હેમારિંગ અને આખા જગતમાં ફુગાવાના ભરડાએ નાણાકીય વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખી હોવાથી બુલિયન બજારમાં જોખમનું પ્રમાણ વધી ગયું છે. ગત સપ્તાહે બિટકોઇન 16 મહિનાના તળિયે 27000 ડોલરની નીચે જતો રહ્યો હતો. આની સામે 10 વર્ષના અમેરિકન ટ્રેઝરી બોન્ડનું  વળતર 2.846 ટકાની ઊંચાઈએ પહોંચ્યું હતું. 
આ બધા કારણોસર અમેરિકા સહિતનાં મોટાં અર્થતંત્રો આગામી મહિનાઓમાં મંદીમાં સરી પડવાનો ભય સર્જાયો છે. તમામ અસ્ક્યામત બજારો માટે ગત સપ્તાહ તો સૌથી ખરાબ પસાર થયું હતું. તમામ અસ્કયામતો એક પછી એક તૂટી રહી હતી. એક તબક્કો તો એવો આવ્યો કે અન્ય બજાર સાથે સોનાચાંદી પણ ગબડવા લાગ્યા હતા. કેટલાંક નવા નિશાળિયાઓ સોનાચાંદીની જેમ ફુગાવા સામે લાંબાગાળાનું રક્ષણ મેળવવા ક્રિપ્ટમાં ઘૂસ્યા. ત્યાં પણ તેમણે માર ખાધો. 
તમે જુઓ કે આખા જગતનાં શેરબજારો 29 ટકા જેટલું વેચાણ દાખવતાં હતાં. તેની અસરે ક્રિપ્ટોમાં પણ કટોકટી સર્જાઇ. સોનાચાંદીમાં પણ.ગત સપ્તાહે અનુક્રમે 3.8 ટકા અને 5.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના તેજીવાળાનો પ્રયાસ ભાવને 22.50 ડોલર સુધી લઈ જવાનો રહેશે, જયારે મંદીવાળા ભાવને તોડીને 20 ડોલર સુધી લઈ જવાનો લક્ષ્ય રહેશે. 
સોના અને ચાંદીના ભાવ વચ્ચેના તફાવતે ગોલ્ડ/સિલ્વર રેશિયોને ઊંચે જવામાં મદદ કરી છે. ચાંદીની નબળાઈ સર્જવામાં સોનાની સૌથી મોટી ભૂમિકા છે. ભાવ બંને ધાતુના ઘટી રહ્યા છે, પણ ચાંદીના ભાવ વધુ ઝડપે ઘટ્યા હોવાથી સોના અને ચાંદીના ભાવનો ગુણોત્તર (ગોલ્ડ-સિલ્વર રેશિયો) જે 1 ફેબ્રુઆરી 2021ના રોજ 62.81 હતો તે ઊંચકાઈને સોમવારે 85.79 થઇ ગયો હતો. આ જોતાં તમારે સોના અને ચાંદી બંનેના ભાવની વધઘટ પર ધ્યાન રાખવું મહત્વનું થઈ પડશે. ગોલ્ડ/સિલ્વર રેશિયો 2020ની 17 માર્ચે 124.09ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ત્યારે સોનાનો ભાવ 1689 ડોલર અને ચાંદીનો 13.61 ડોલર હતો. તેની સૌથી નીચી સપાટી જોવાઈ હતી 1854માં જયારે સોનાનો ભાવ 20.67 ડોલર અને ચાંદીનો 1.35 ડોલર હતો. તાજો રેશિયો 85.79 છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer