મુંબઈ, તા. 17 મે
ગોલ્ડ એક્ષ્ચેન્જ ટેડેડ ફંડ્ઝ (ઈટીએફ)માં એપ્રિલમાં રૂા. 1100 કરોડનું રોકાણ થયું હતું, જે ફેબ્રુઆરી, 2020 પછી સૌથી વધુ છે. કથળતી જતી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ, વ્યાજદરનો વધારો અને શૅરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે રોકાણકારોને સોના પ્રત્યે આકર્ષણ થયું છે, એમ ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના ઍસોસિયેટ ડિરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું કે, યુક્રેન યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી, તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને ફુગાવાની ચિંતાઓ ઘેરી બનતી જાય છે તેથી રોકાણકારોનું ધ્યાન ફરી એકવાર પીળી ધાતુ તરફ ગયું છે, કારણ કે પરંપરાગત રીતે તે અનિશ્ચિતતાભર્યા સમયમાં સલામતીનું સ્વર્ગ અને લાંબે ગાળે ફુગાવા સામેની ઢાલ ગણાય છે.
છેલ્લાં ત્રણ મહિનામાં ગોલ્ડ-ઈટીએફે સરેરાશ પાંચ ટકા વળતર આપ્યું છે, જ્યારે એક વર્ષનું સરેરાશ વળતર 6.4 ટકા થવા જાય છે, એપે વેલ્યુ રિસર્ચના આંકડા દર્શાવે છે.
છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં ડૉલરની મજબૂતી અને અમેરિકાનાં ટ્રેઝરી બૉન્ડના વળતરમાં થયેલા વધારાને કારણે સોનું તાજેતરની ઊંચાઈએથી પાછું ફરીને પાંચેક ટકા દબાયું છે.
`તે ઉપરાંત શૅરબજારોમાં ચાલી રહેલી ઉથલપાથલ અને અનિશ્ચિતતાએ પણ રોકાણકારોને તેમના પોર્ટફૉલિયોમાં વૈવિધ્ય લાવવા માટે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવાની પ્રેરણા આપી હોય એવું બની શકે, જે હાલના સંજોગોમાં એક આકર્ષણ રોકાણ વિકલ્પ જણાય છે.' એમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
સામાન્ય રીતે સોનું રોકાણકારના પોર્ટફૉલિયોમાં વૈવિધ્ય લાવવા માટે મહત્ત્વની અસ્કયામત ગણાય છે, કારણ કે તે પ્રતિકૂળ બજારમાં તથા આર્થિક મંદીમાં નુકસાન ખાળી શકે છે.
કોરોના મહામારી અને તેના પગલે આવેલી આર્થિક મંદીમાં પણ રોકાણના સાધન તરીકે સોનાની કામગીરી ઉજ્જવળ રહી હતી, જે રોકાણકારના પોર્ટફૉલિયોમાં તેના મહત્ત્વની સાબિતી છે.
ભૂ-રાજકીય તંગદિલીને પગલે ગોલ્ડ-ઈટીએફમાં આકર્ષણ વધ્યું
