લંડન, તા. 17 મે
બ્રેન્ટ ક્રૂડ હાલમાં 95થી 115 ડૉલર વચ્ચે ફરે છે. યુક્રેન યુદ્ધ અને રશિયા પરના પ્રતિબંધોને કારણે તે ઊંચા જ રહેવાનો સંભવ છે. તેલના ભાવ વધઘટે 100 ડૉલર આસપાસ રહે તેવી શક્યતા છે. યુક્રેન યુદ્ધ ઉપરાંત પણ કેટલાંક કારણો તેલની તેજી માટે જવાબદાર છે. રશિયાના તેલના ઉત્પાદનમાં દસ ટકા જેટલો ઘટાડો થયો હોવાના અહેવાલો છે. આનો અર્થ એ કે આગળ ઉપર પુરવઠો ઘટશે. સૌથી મહત્ત્વનું કારણ છે રશિયાના ગૅસ અને તેલ પર યુરોપનું અવલંબન. યુરોપનો 17 ટકા ગૅસ રશિયાથી આવે છે. જ્યારે તેલના પુરવઠામાં રશિયાનો હિસ્સો સાત-આઠ ટકા જેટલો છે.
ક્રૂડતેલના ભાવ ગયા વર્ષના સપ્ટેમ્બર-અૉક્ટોબરથી જ વધવા લાગ્યા હતા. તેલના ભાવ વધારામાં યુક્રેન યુદ્ધનો ફાળો મર્યાદિત છે. ઓપેક અને સાથી દેશો ઉત્પાદન અને પુરવઠો વધારી શકે તેમ નથી કારણ કે તેમની ક્ષમતાની મર્યાદા આવી ગઈ છે. આ તરફ તેલની માગ વધીને કોરોના અગાઉના સ્તરે પહોંચી ચૂકી છે. આ બે પરિબળોને કારણે તેલના ભાવ વધારા તરફી રહ્યા હતા.
પરંતુ હવે પરિસ્થિતિ વધુ સામાન્ય બની રહી છે. વિશ્વનો આર્થિક વિકાસદર આ વર્ષે અને કદાચ આવતા વર્ષે પણ ધીમો પડવાની આગાહી છે. વિકાસ ધીમો પડે એટલે તેલની માગ ઠંડી પડે. ચીનમાં અને ભારતમાં પ્રત્યેક ત્રિમાસિકમાં વિકાસદર ઘટતો જાય છે. ચીનમાં ઝીરો કોવિડ નીતિને કારણે બે મોટા પ્રાંતમાં લૉકડાઉન લાદવામાં આવ્યો છે. આની અસર ચીનના વિકાસ અને તેલની માગ પર પડવાનો સંભવ છે. ચીને તેલ પેદાશોના ઉત્પાદનમાં દસ ટકા કાપ મૂકવાના ઈરાદાથી રિફાઈનરીઓનું કામકાજ ઘટાડયું છે. બીજી બાજુ અમેરિકાએ તેના અનામત તેલ ભંડારોમાંથી છ મહિના સુધી રોજના 18 કરોડ બેરલ તેલ છૂટું કરવાનો નિર્ણય લીધો છે.
તાજેતરમાં ઓપેકે તેલની વૈશ્વિક માગનો તેનો અંદાજ ઘટાડયો હતો. ઓપેકના મતે આ વર્ષે તેલની દૈનિક માગ પાંચ લાખ બેરલ ઘટવાની સંભાવના છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ આ વર્ષે વિશ્વમાં તેલની દૈનિક માગ 994 લાખ બેરલ રહેવાની આગાહી કરી છે, જે તેના અગાઉના અંદાજથી 2.60 લાખ બેરલ ઓછી છે. એકંદરે તેલના ભાવ થોડો સમય ઊંચા રહેશે, પરંતુ મધ્યમ ગાળે ધીમે ધીમે ઘટતા જશે.
ક્રૂડતેલના ભાવ થોડો વખત ઊંચા રહેશે, પછી નબળી માગથી ઘટતા જશે
