સ્પાનિંગ મિલોને ઉગારવા રૂના વાયદા બજારમાં સુધારાનાં પગલાં અનિવાર્ય : સીએઆઈ

સ્પાનિંગ મિલોને ઉગારવા રૂના વાયદા બજારમાં સુધારાનાં પગલાં અનિવાર્ય : સીએઆઈ
રૂના ઉત્પાદન અને નિકાસના અંદાજો ઘટયા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 મે 
કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ)એ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ), નાણાં મંત્રાલય અને ટૅક્સ્ટાઈલ્સ મંત્રાલયને દેશમાંથી સ્પાનિંગ મિલોનું અસ્તિત્ત્વ તદ્દન ભૂંસાઈ જાય તે પહેલાં તેને ઉગારવાનાં પગલાં લેવા વિનંતી કરી છે. ગયા શુક્રવારે સીએઆઈએ એક પત્ર દ્વારા એમસીએક્સ અને કેન્દ્ર સરકારને પોતે અગાઉ (22 ડિસેમ્બર, 2021) કરેલાં કેટલાંક સૂચનોનો અમલ કરવા અનુરોધ કર્યો છે. 
પત્રમાં જણાવાયું છે કે શુક્રવારે એમસીએક્સ ઉપર રૂના વાયદામાં ફક્ત 87,500 ગાંસડી માટે ઓપન ઈન્ટરેસ્ટ હતો, જે રૂના 325 લાખ ગાંસડી ઉત્પાદનનો ફક્ત ચોથો ભાગ છે. અમેરિકામાં રૂનો પાક 175 લાખ ગાંસડી છે અને આઈસીઈ ઉપર વાયદામાં 180 લાખ ગાંસડી ખરીદી નીકળી છે, જેના કારણે બજારે અમેરિકાના પાકનું સમગ્ર કદ આવરી લીધું છે. 
એમસીએક્સ ઉપર રૂની ખરીદીમાં ઓછા ઓપન ઈન્ટરેસ્ટના કારણે સટ્ટાખોરો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ દરરોજ ભારતીય રૂ બજારને ખેંચી રહી છે. ભારતમાં રૂના વિશાળ ઉત્પાદન છતાં ટ્રાડિંગ ફક્ત 20 ટકા થાય છે, જ્યારે આઈસીઈના વાયદા 12,000 ટકા ટ્રાડિંગ દર્શાવે છે. 
પત્રમાં એમસીએક્સને ચેતવણી અપાઈ છે કે જો આ વલણ તાત્કાલિક નહીં એટકે તો દેશમાંથી રૂની સ્પાનિંગ મિલોનો સમગ્ર ઉદ્યોગ નાશ પામશે. એમસીએક્સ ઉપર મે, 2022માં રૂના વાયદામાં ઓપન ઈન્ટરેસ્ટ અત્યંત ઓછું હોવાથી દરેક સહભાગી માટે ઉપલબ્ધ 90,000 ગાંસડી સુધીની હાલની દૈનિક ઉચ્ચ એક્સપોઝર મર્યાદાથી સટ્ટાખોરોનું પાસું મજબૂત બને છે અને તેઓ કપાસના ભાવ તેજી તરફ દોરી જાય છે.  દેશના તમામ જિનરો માટે એમસીએક્સના ભાવ સંદર્ભ તરીકે ધ્યાન ઉપર લેવાય છે. આ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ ટૅક્સ્ટાઈલ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઇનને પ્રતિકૂળ અસર કરે છે, એમ જણાવતાં સીએઆઈએ રૂના ભાવમાં કૃત્રિમ વધારાને ટાળવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાંની માગણી કરી છે. 
રૂનો ઉત્પાદન અંદાજ ઘટાડાયો 
સીએઆઈના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રાએ જણાવ્યું છે કે એમસીએક્સના પ્લેટફોર્મ મારફતે રૂના વેપારમાં કથિત સટ્ટાકીય પ્રવૃત્તિઓની આશંકા છે. એક્સચેન્જ ઉપર રૂના મે, 2022ના વાયદામાં ઓપન ઈન્ટરેસ્ટમાં ઝડપી ઘટાડો થયો છે. આ ઘટાડો અટકાવવા સંલગ્ન અધિકારીઓને અનુરોધ કરાયો છે. સાથે સાથે એસોસીએશને પાક વર્ષ 2021-22 માટે રૂના વપરાશનો અંદાજ અગાઉના 340 લાખ ગાંસડી (170 કિલો પ્રતિ ગાંસડી)થી ઘટાડીને 320 લાખ ગાંસડી કર્યો છે. ઉત્પાદનનો અંદાજ પણ 335.13 લાખ ગાંસડીથી ઘટાડીને 323.63 લાખ ગાંસડી કર્યો છે.  
ઉત્પાદનના અનુમાનમાં જૂન, જુલાઈ અને અૉગસ્ટમાં તામિલનાડુના ઉનાળુ પાકની આવકો તેમજ અૉગસ્ટ અને સપ્ટેમ્બરમાં નવા પાકની આવકો સામેલ છે. એસોસીએશને રૂની આયાતના અંદાજો યથાવત્ (15 લાખ ગાંસડી) રાખ્યા છે, પરંતુ નિકાસ અનુમાન 45 લાખ ગાંસડીથી ઘટાડીને 40 લાખ ગાંસડી કર્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer