ઘઉંની નિકાસબંધીથી ભાવમાં કડાકો : નાના વેપારીઓ મુશ્કેલીમાં

ઘઉંની નિકાસબંધીથી ભાવમાં કડાકો : નાના વેપારીઓ મુશ્કેલીમાં
કંડલા બંદરે ઘઉં ભરેલી ટ્રકોની કતારો લાગી ગઈ : ખુલ્લામાં ઉતારાતા ઘઉં પર વરસાદનું જોખમ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 17 મે 
ઘઉંની નિકાસ પર અચાનક આવેલા પ્રતિબંધથી અફડાતફડી મચી ગઇ છે. દેશભરના ઘઉં ઉત્પાદક રાજ્યોમાંથી હજારો ટ્રક માલ ઠાલવવા આવીને પડેલી છે. કઇ ટ્રક ખાલી થશે અને કેટલા દિવસ રાહ જોવી પડશે તેની ચિંતામાં બ્રોકરો, સપ્લાયરો અને ટ્રેડરો બધાના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. આ સંજોગમાં ઘઉંના ભાવ ગબડવાનું શરૂ થઇ ગયું છે. બે દિવસમાં મણે રૂ. 25-30નો કડાકો સૌરાષ્ટ્રની બજારમાં બોલી ગયો છે.  
નિકાસકારો અત્યાર સુધી પૂરજોશમાં ખરીદી કરતા હતા પણ શનિવારથી ભાવ બોલવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. ઘઉંમાં કોઇ લેવાલ ન હોય એવી પરિસ્થિતિ સર્જાઇ ચૂકી છે. એક તરફ બંદરે પહોંચેલા માલનું કોઇ ધણી થાય એમ નથી ને બીજી તરફ દસ વીસ લાખ રૂપિયાની મૂડી ખર્ચીને ધંધો કરનારા બ્રોકરોને હવે મોટી ખોટ ખમવાની આવે એમ છે. 
માર્કેટીંગ યાર્ડોમાં ઘઉંની હરાજીમાં ભાવ મણે રૂ. 25-30 જેટલા તૂટી ગયા છે. રાજકોટ યાર્ડમાં લોકવન ઘઉંનો ભાવ બે દિવસમાં રૂ. 460-489થી ઘટીને રૂ. 434-467 સુધી આવી ગયો છે. ટૂકડીનો ભાવ રૂ. 470-528 હતો તે રૂ. 440-500 એ પહોંચી ગયો છે. નિકાસકારો ક્વીન્ટલે રૂ. 2500-2560માં અગાઉ લેતા હતા પણ હવે રૂ. 2300માં ય કોઇ પૂછતું નથી. નિકાસબંધીની અસરથી સ્થાનિક ભાવ ઘટ્યા છે પણ વિશ્વબજારમાં ભાવ ખૂબ વધી આવ્યા છે.  
ભારત વિશ્વબજારમાં મોટાં સપ્લાયર તરીકે ઉભરી આવ્યો હતો પણ હવે ઘઉં નહીં મળે તો અન્નની સમસ્યા સર્જાશે એવા ભયે શિકાગો સહિતના ઘઉં વાયદામાં ઉછાળા હતા. 
કંડલા બંદરે નિકાસકારો, ટ્રેડરો, બ્રોકરો અને સપ્લાયરોની લગાતાર બેઠકો થઇ રહી છે. છતાં ચિંતા ખૂબ છે કારણકે કંપનીઓ અગાઉ રોજ 150-200 ટ્રકો ઉતારી લેતી હતી પણ હવે શોરબકોર ન થાય એ માટે 20-30 ગાડી ઉતારીને ઠાલું આશ્વાસન આપી રહી હોવાનો ઘાટ ઘડાયો છે.  
કંડલા બંદરે મંગળવારની સ્થિતિએ આશરે સાડા ચાર હજાર જેટલી ટ્રકો ઉભેલી છે. એમાં મોટેભાગે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘઉં છે. જોકે, આજે સરકારે નિકાસમાં કેટલીક વધુ છૂટ જાહેર કરતાં આ ભીડ ઘટશે તેવું અનુમાન છે. 
કંડલામાં ગોદામોના ક્ષમતા કરતા વધારે ઘઉં આવી રહ્યા હોવાથી કંપનીઓ ખૂલ્લા પટ્માં ઉતારીને નિકાસ કરતી હતી. હવે ખૂલ્લામાં પડેલા ઘઉં પર વરસાદી વાતાવરણનું જોખમ છે. જે ગાડી ત્યાં પહોંચી છે તેનું એક ગાડીનું ભાડું અઢી લાખ રૂપિયા જેટલું થાય છે એટલે એ નુક્સાની અલગથી થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer