5-Gથી અર્થતંત્રમાં $ 450 અબજ ઉમેરાશે : વડા પ્રધાન

5-Gથી અર્થતંત્રમાં $ 450 અબજ ઉમેરાશે : વડા પ્રધાન
5-Gના ત્વરિત પ્રારંભ માટે હાકલ
એજન્સીસ
મુંબઈ, તા. 17 મે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે
5-G સેવાઓના ત્વરિત પ્રારંભ માટે સરકાર અને ઉદ્યોગના સહિયારા પ્રયાસો કરવાની હાકલ કરી હતી. આવતા દોઢ દાયકામાં તે અર્થતંત્રમાં 450 અબજ ડૉલરનું પ્રદાન કરી શકે તેમ છે એમ તેમણે કહ્યું હતું.
'5-Gને લીધે પ્રશાસન તેમ જ જીવવાની અને વેપારધંધો કરવાની સુગમતામાં ગુણાત્મક પરિવર્તન આવશે. તેનાથી ખેતી, આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સવલતો અને પરિવહનનો વિકાસ ઝડપી બનશે. આવતા દોઢ દાયકામાં 5-G ટેક્નૉલૉજી આર્થિક વિકાસ અને રોજગારી મારફત દેશને 450 અબજ ડૉલર રળી આપશે,' એમ મોદીએ કહ્યું હતું.
મોદીએ વધુમાં કહ્યું કે આ દાયકાના અંત સુધીમાં આપણે 6-G ટેક્નૉલૉજી અપનાવવા તૈયાર રહેવું પડશે અને એને માટે એક ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. ટેલિકૉમ નિયામક સંસ્થા ટ્રાઈની સ્થાપનાનાં 25 વર્ષ પૂરાં થયાંની ઉજવણી માટે યોજાયેલા એક સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા.
2-Gનો સમયગાળો નીતિવિષયક નિક્રિયતા અને ભ્રષ્ટાચારના પર્યાય સમો હતો. પણ હવે ભારત 3-Gમાંથી ઝડપભેર 4-Gમાં પ્રવેશી ચૂક્યું છે અને 5-G અને 6-Gમાં જવાની તૈયારી કરી રહ્યું એમ કહીને મોદીએ ઉમેર્યું હતું કે ટેલિકોમ ક્ષેત્રે રોકાણ માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટેના સરકારના પ્રયાસોને સફળતા મળી છે.
મોદીએ કહ્યું કે હાલના દેશના પ્રત્યેક ગામને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાનું કાર્ય ચાલી રહ્યું છે. 2014 પહેલાં આખા દેશમાં એકસો પંચાયતો પાસે પણ ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી ન હતી. આજે અમે 1.75 લાખ ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપી શક્યા છીએ. સેંકડો સરકારી સેવાઓ ગ્રામવાસીઓને એના મારફત મળે છે.
વડા પ્રધાને ટ્રાઈને પણ ભાવિ પડકારો માટે સજ્જ થવાની હાકલ કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer