એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો વધીને 23 વર્ષની ટોચે 15.08 ટકા

એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો વધીને 23 વર્ષની ટોચે 15.08 ટકા
સતત તેરમા મહિને ફુગાવો બે આંકડામાં રહ્યો  
એજન્સીસ 
નવી દિલ્હી, તા. 17 મે
નવી દિલ્હી, તા. 17 મે: એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવો અગાઉના મહિનાના 14.55 ટકાથી વધીને 15.08 ટકા થયો હતો. 23 વર્ષમાં આ સૌથી ઉંચો ફુગાવો હતો. એક વર્ષ અગાઉ આ ફુગાવો 10.74 ટકા હતો. આમ સતત તેરમાં મહીને જથ્થાબંધ ફુગાવો બે આંકડામાં રહ્યો છે. કોમોડીટી અને શાકભાજીના વધી રહેલા ભાવને કારણે ભાવ આંક ઉંચો આવ્યો હોવાની માન્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી. સરકારે મંગળવારે ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા.   
શાકભાજીનાં ભાવમાં એપ્રિલમાં 23.24 ટકા વધારો થયો હતો, જેને કારણે અન્ન ફુગાવો 8.35 ટકા જેટલો ઊંચો રહ્યો હતો. બળતણમાં એપ્રિલમાં 38.66 ટકા ફુગાવો નોંધાયો હતો, જ્યારે ઉત્પાદિત ચીજવસ્તુઓનો ફુગાવો વધીને 10.85 ટકા થયો હતો. 
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાને રિટેલ ભાવને મર્યાદામાં રાખવાનો આદેશ અપાયો છે પણ હોલસેલ ભાવમાં થતો વધારો થોડા સમય બાદ રિટેલ ફુગાવામાં વધારો કરી શકે, એમ નિરીક્ષકોનું માનવું છે. 
ગયા સપ્તાહે જાહેર થયેલા આંકડા અનુસાર એપ્રિલમાં રિટેલ ફુગાવો 7.8 ટકા આવ્યો હતો, જે 95 મહિનાની ટોચે હતો. આ આંકડા જાહેર થયા તેના થોડા દિવસ અગાઉ આરબીઆઈએ રેપો રેટમાં 40 બેઝીઝ પોઈન્ટ વધારો કરીને ફુગાવા સામે લડત આરંભી હતી. આગળ જતા વ્યાજદરોમાં હજુ વધારો થઇ શકે એવી શક્યતા વ્યાપકપણે જોવાઈ રહી છે. 
ખાદ્યતેલના ભાવમાં 17.3 ટકા અને શાકભાજીનાં ભાવમાં 15.4 ટકા વધારો થતા એપ્રિલમાં અન્ન ફુગાવો વધીને 8.38 ટકા થયો હતો. બળતણનો ભાવવધારો પણ બે આંકડાની મર્યાદા તોડીને 10.8 ટકા રહ્યો હતો. માર્ચમાં રિટેલ સ્તરે ક્રુડ ઓઇલના ભાવ ઘટ્યા હતા પણ પેટ્રોલ, ડીઝલ અને કાકિંગ ગૅસના ભાવમાં વધારો નોંધાયો હતો. ફળ, શાકભાજી અને દૂધ જેવી અલ્પજીવી આઈટમોના ભાવમાં દેશમાં પડેલી વ્યાપક ગરમીને કારણે વધારો થયો હતો જ્યારે ચાના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer