ઉનાળુ તલની આશરે 50 ટકા આવક સંપન્ન

સિઝનના આરંભે તેજી થતાં ખેડૂતોની વેચવાલી વધી
અમારા પ્રતિનિધિ તરફથી       
રાજકોટ, તા. 21 જૂન 
ગુજરાતમાં ઉનાળુ તલની આવક શરૂ થયાના સવા મહિનાના ગાળામાં જ ઉત્પાદનની આશરે 53 ટકા જેટલી આવક સંપન્ન થઇ ચૂકી છે. તલનું ઉત્પાદન ઘટ્યું છે છતાં ખેડૂતોને સીઝનના આરંભે જ તેજીનો લાભ મળતા ભારે વેચવાલી આવી છે. અલબત્ત હવે બજાર મજબૂત થઇ રહી છે અને આવક પણ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે. 
ડીએસએન એગ્રી બ્રોકર્સના ચિરાગ અઢીયાએ આપેલા અંદાજ પ્રમાણે ગુજરાતમાં સફેદ તલનું ઉત્પાદન 13 લાખ ગુણી (પ્રત્યેક ગુણી 80 કિલો) થશે. એમાંથી 6.75 લાખ ગુણીની આવક 20 જૂન સુધીમાં સંપન્ન થઇ હોવાનું માનવામાં આવે છે. જ્યારે કાળા તલનું ઉત્પાદન આશરે 2.50 લાખ ગુણી થયાનો અંદાજ છે, તે પૈકી 1.50 લાખ ગુણી આવક થઇ ચૂકી છે. ચાલુ વર્ષે ઉનાળુ ઉત્પાદન ઓછું થયું છે. છતાં આરંભની તેજીને લીધે ખેડૂતોની વેચવાલી સારી રહી છે. આગલા વર્ષમાં સફેદ અને કાળા તલનું કુલ ઉત્પાદન 20 લાખ ગુણી આસપાસ રહ્યું હોવાનો અંદાજ છે. 
ગુજરાતભરના માર્કેટ યાર્ડોમાં તલની આવક રોજબરોજ 22થી 25 હજાર ગુણીની થાય છે. રાજકોટમાં સરેરાશ 3500-4000 ગુણીની આવક સફેદ તલની થાય છે, ભાવ મણે રૂ. 2000-2275 ચાલે છે. કાળા તલની આવક રાજકોટ યાર્ડમાં 1500-1700 ગુણીની થાય છે, તેનો ભાવ રૂ. 2070-2629 રહ્યો હતો. અમરેલીમાં સફેદ તલની આવક આસરે 2500 ગુણી થાય છે ત્યાં રૂ. 1180-2262ના ભાવ હતો. જ્યારે કાળા તલની આવક ત્રણેક હજાર ગુણીની થાય છે, કાળા તલનો ભાવ રૂ. 1460-2660 રહ્યો હતો. 
ચિરાગભાઇ કહે છેકે, બજાર ખૂલ્યા પછી ઘટ્યા મથાળેથી એક કિલોએ રૂ. 15 જેટલી વધી ગઇ છે. સ્થાનિકની સાથે નિકાસની થોડી થોડી માગ છે. જોકે હવે તેજી બાદ બજાર અથડાઇ જવાની સંભાવના છે. નવા વાવેતરનો સમય પણ ચાલી રહ્યો છે એટલે હાલ બજારમાં મૂવમેન્ટ ઓછી આવશે. તલના ભાવ 99-1 વેરાઇટીમાં રૂ. 110 અને શોર્ટેક્સના રૂ. 119-120ના ભાવ ચાલે છે. હલ્દ તલમાં રૂ. 149માં સોદા થાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer