જીએસટી કાયદા અને નિયમની નવેસરથી સમીક્ષા કરવાની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 21 જૂન  
કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સએ જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે કાઉન્સિલના પ્રયાસોની પ્રશંસા અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણને દરોના તર્ક સંગતીકરણની સાથે જીએસટી કાયદા અને નિયમોની નવી સમીક્ષા કરવા માગ કરી છે.  
વર્તમાન જીએસટી ફ્રેમવર્કને સરળ બનાવવાની ખૂબ જ જરૂર છે. કૈટએ આ માંગને લઈને દેશના તમામ રાજ્યોના નાણાપ્રધાનોને મળવાનો પ્લાન ઘડ્યો છે. કૈટ જીએસટી અને ઈ-કોમર્સ બંને પર રાષ્ટ્રીય ઝુંબેશ વ્યૂહરચના ઘડવા માટે 25 અને 26મી જૂન નાગપુરમાં દેશના વેપારી નેતાઓની બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ અભિયાન 1 જુલાઈથી દેશભરમાં એક સાથે શરૂ થશે.  બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન તમામ રાજ્યોના લગભગ 100 અગ્રણી વેપારીઓ નાગપુર કોન્ફરન્સમાં વેપારીઓના અન્ય પડતર મુદ્દાઓ પર ચર્ચા કરશે. 
કૈટના ગુજરાત રીજનના પ્રમુખ પ્રમોદ ભગતે કહ્યું હતું કે, જીએસટીના કાયદા અને નિયમોના સરળીકરણ, જીએસટીના ટેક્સ બેઝને વિસ્તૃત કરવાની જરૂરિયાત છે. જો આમ થાય તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે વધુ આવક ઊભી થશે.  
કૈટના પદાધિકારીઓ દિલ્હી કેન્દ્રીય નાણાપ્રધાન સાથેની બેઠકમાં કહ્યું હતું કે, દેશના દરેક જિલ્લામાં જીએસટીના વરિષ્ઠ કર અધિકારીઓ અને સંબંધિત જિલ્લાના વેપારી આગેવાનોનો સમાવેશ કરતી સંયુક્ત જીએસટી સમિતિની રચના કરવી જોઇએ. જીએસટીના દર હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરવા જોઈએ.  કૈટએ કાપડ અને ફૂટવેરને પાંચ ટકાના ટેક્સ સ્લેબ હેઠળ રાખવા માગ કરી હતી. 
પ્રમોદ ભગતે ઉમેર્યું હતું કે, દેશના વેપારી સમુદાયનું માનવું છે કે હાલમાં મોટી સંખ્યામાં વિવિધ વસ્તુઓ કર દરના ખોટા કેસમાં આવે છે અને તેથી દરોનું તર્કસંગતીકરણ એક તક પૂરી પાડશે. આ સાથે વિસંગતતાઓ અને અસમાનતાઓને ટાળવા માટે જીએસટી ટેક્સ સ્લેબને સુધારવા અને યોગ્ય વસ્તુઓને યોગ્ય ટેક્સ દરમાં રાખવાની તક મળશે. દેશના ટ્રેડ એસોસીએશનએ કૈટના ધ્વજ હેઠળ કર દરોને તર્કસંગત બનાવવા પર પરસ્પર ચર્ચા શરૂ કરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer