ચીની આયાત બંધ થતાં સ્વદેશી રમકડાંની બજારમાં સુધારો

સૈફી રંગવાલા
મુંબઈ, તા. 21 જૂન
દેશમાં ચીનનાં રમકડાંની આયાતો બંધ થયાને એકાદ વર્ષથી વધુ સમય થયો છે. આયાતી રમકડાં બંધ થયા પછી દેશમાં બનતાં બીઆઈએસ માર્કાના સુધારિત ગુણવત્તાનાં અને કેટલાંક બૅટરી ઓપરેટેડ રમકડાંના વેચાણમાં 20થી 25 ટકાનો વધારો થયો છે, એમ એક અગ્રણી ઉદ્યોજકે વ્યાપારને જણાવ્યું હતું. તેમણે કહ્યું, `ચીનનાં ઢગલાબંધ વેરાયટીનાં રમકડાં સાથે હજુ સ્પર્ધા થઈ શકે તેમ નથી. એમાં સમય લાગશે. પરંતુ બાળકોને રમકડાં જોઈએ જ એટલે ઓછી વેરાયટી છતાં સ્થાનિક રમકડાં હવે થોડી પસંદગી પામે છે એ સારી નિશાની છે.
અન્ય ઉદ્યોજકે જણાવ્યું કે, ચીનનાં રમકડાં બંધ થયા પછી દુકાનદારોના ધંધાનું વોલ્યુમ 60થી 70 ટકા સુધી ઘટી ગયું હતું. હવે એ વોલ્યુમ 20થી 25 ટકા સુધર્યું છે, એમ કહી શકાય.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન-દિલ્હી-મુંબઈ ખાતે અમુક સ્વદેશી ઉત્પાદકોએ કેટલીક બૅટરી સંચાલિત વેરાયટી બજારોમાં મૂકી છે. જોકે, તેનું ચલણ વધારવા હજુ ગુણવત્તામાં સુધારા સાથે વેરાયટી અને વિવિધતા પર હજુ જોર મૂકવું જોઈએ, જેથી તેની પસંદગીનો વ્યાપ વધી શકે.
અૉલ ઇન્ડિયા ટોયઝ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ જુઝર ગબાજીવાલાએ જણાવ્યું કે `ચીનની સરખામણીમાં સ્વદેશી રમકડાં હવે ધીમે ધીમે બજારમાં પસંદ થવા લાગ્યા છે. જેથી કેટલાંક સ્વદેશી નવા રમકડાંના વેચાણમાં 25 ટકા સુધીનો વધારો થયો છે. પરંતુ સમગ્ર રીતે વેચાણ અગાઉની સરખામણીએ હજુ 50થી 60 ટકા ઘટાડે ગણાશે.'

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer