નવી દિલ્હી, તા. 21 જૂન
2021-22માં દેશમાં કોલસાનું 7770 લાખ ટન જેટલું વિક્રમ ઉત્પાદન થયા બાદ
ચાલુ નાણાકીય વર્ષમાં પણ આ વલણ જળવાઈ રહ્યું છે.
2022-23ના વર્ષમાં 31 મે સુધીમાં દેશમાં કોલસાનું ઉત્પાદન 28.6 ટકા વધીને 1378.5 લાખ ટન થયું હતું, જે ગયા વર્ષના આ સમયમાં જ 1048.3 લાખ ટન હતું. જૂનમાં પણ ઉત્પાદન વધ્યું હતું, તેમ કોલસા મંત્રાલયે જણાવ્યું હતું.
16 જૂન, 2022 સુધીમાં કોલ ઇન્ડિયાનું ઉત્પાદન ગયા વર્ષના આ સમય કરતાં 28 ટકા વધ્યું હતું. ચાલુ વર્ષમાં દેશમાં કોલસાના કુલ ઉત્પાદનનો લક્ષ્યાંક 9110 લાખ ટન છે, જે ગયા વર્ષ કરતાં 17.2 ટકા વધુ છે.
ડોમેસ્ટિક કોલ બેઝડ (ડીસીબી) એટલે દેશના કોલસા પર આધારિત પાવર પ્લાન્ટ બ્લેન્ડિંગ માટે જે કોલસા વિદેશથી આયાત કરે છે તે 2021-22માં ઘટીને 81.1 લાખ ટન હતો, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછામાં ઓછી આયાત છે. સ્થાનિક કોલસાનું ઉત્પાદન તથા પુરવઠો વધ્યો તેના કારણે આ શક્ય બન્યું.
ઈમ્પોર્ટેડ કોલ બેઝડ (આઈસીબી) એટલે કે આયાતી કોલસા પર આધારિત વીજળી મથકોએ 2016-17થી 2019-20 સુધીમાં 450 લાખ ટનથી પણ વધુ કોલસાની આયાત કરી હતી, પરંતુ 2021-22માં તેમની કોલસાની આયાત એકદમ ઘટીને 188.9 લાખ ટન થઈ હતી. ઉપરાંત આ વીજમથકો અગાઉના વર્ષોમાં 100 અબજ યુનિટથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરતા હતા તે 2021-22માં ઘટીને 39.82 અબજ યુનિટ થઈ ગયું હતું. વિદેશી કોલસાની આયાત મોંઘી થઈ ગઈ હોવાથી ચાલુ વર્ષે પણ તેમનું વીજઉત્પાદન ઘટી ગયું છે.
2021-22માં કોલ ઇન્ડિયાએ ફ્યુઅલ સપ્લાય એગ્રિમેન્ટ (એફએસએ) અંતર્ગત દેશના સ્થાનિક કોલસા પર આધારિત વીજળી મથકોને જેટલો કોલસો આપવાનો હોય તેના કરતાં વધુ કોલસો આપ્યો છે. એફએસએ અંતર્ગત કોલ ઇન્ડિયાને 4830 લાખ ટન કોલસો આપવાનો હતો. તેના બદલે તેણે 5400 લાખ ટન કોલસો આપ્યો છે. આ કોલસાને કારણે વીજળીમથકો તેની 69 ટકા ક્ષમતાએ ચાલી શક્યા હતા, જ્યારે 2021-22માં તે ફક્ત 61.3 ટકા ક્ષમતા પર જ ચાલ્યા હતા. 2022-23માં કોલ ઇન્ડિયાને તેની સાથે સંકળાયેલા વીજળીમથકો 85 ટકાની ક્ષમતા પર ચાલી શકે તે માટે 1206.7 લાખ ટન કોલસો આપવાનો હતો. તેના બદલે 16 જૂન સુધીમાં તેણે 1295.8 લાખ ટન કોલસો આપ્યો હતો, જે 7.4 ટકા વધુ હતો. હકીકતમાં આ મથકો 70 ટકા ક્ષમતાથી ચાલ્યા હતા, કેમ કે કોલ ઇન્ડિયાએ તેમની જરૂરિયાત કરતાં 30.4 ટકા વધુ કોલસો આપ્યો હતો.
કોલસાના વધતા જતા ઉત્પાદનની સાથે કોલ ઇન્ડિયાએ વિક્રમજનક માલગાડીઓ મોકલાવી છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. 2020-21માં તેણે રોજની 215.8 માલગાડીઓ મોકલી હતી, જે 2021-22માં 26 ટકા વધીને 271.9 થઈ હતી.