ચોખાનું વૈશ્વિક ઉત્પાદન વધશે

ભારત અને પેરુમાં ઉત્પાદકતા સુધરતાં 
મુંબઈ, તા. 21 જૂન 
અમેરિકાના કૃષિ વિભાગ (યુએસડીએ)એ માર્કાટિંગ વર્ષ 2022-23 માટે જૂન મહિનાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત અને પેરુમાં ઉત્પાદકતા સુધરવાથી ચોખાના વૈશ્વિક ઉત્પાદનમાં વધારો થશે. ભારત અને બ્રાઝિલમાં વપરાશ વધવાથી તેની વૈશ્વિક માંગમાં પણ વધારો થશે. ચોખાના અંતિમ સ્ટોકમાં ઘટાડો થવાની શક્યતા છે કારણ કે ભારતમાં 2021-22નો કેરીઓવર સ્ટોક ઘટવાની સંભાવના છે. જ્યારે ઇજિપ્ત અને બાંગ્લાદેશની ચોખાની આયાતમાં વધારો થવાની સંભાવના છે. 
યુએસડીએનુ કહેવું છે કે પાછલા મહિને અમેરિકાના ચોખાના ભાવ 20 ડોલર વધી 695 ડોલર પ્રતિ ટન અને ઉરુગ્વેના ચોખા 545 ડોલર પ્રતિ ટન રહ્યા. થાઇલેન્ડના ચોખા બે ડોલર ઘટીને 456 ડોલર, જ્યારે વિયેતનામના ચોખા સાત ડોલર વધી 423 ડોલર પ્રતિ ટન ઓફર થઇ રહ્યા હતા. પાકિસ્તાની ચોખા 17 ડોલર વધી 380 ડોલર પ્રતિ ટન ઓફર થઇ રહ્યા હતા જ્યારે ભારતીય ચોખા પાંચ ડોલર ઘટીને 345 ડોલર પ્રતિ ટન રહ્યા. 
યુએસડીએએ સમગ્ર વિશ્વમાં વર્ષ 2022-23માં 51.46 કરોડ ટન ચોખાનું ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે, જે વર્ષ 2021-22માં 51.36 કરોડ ટન રહી શકે છે.  
વર્ષ 2021-22માં ભારતમાં ચોખાનુ ઉત્પાદન 12.96 કરોડ ટન થવાનું અનુમાન છે, જે વર્ષ 2022-23 માં 13.05 કરોડ ટને પહોંચી શકે છે. ભારતમાં ચોખાનું ઉત્પાદન વર્ષ 2020-21માં 12.43 કરોડ ટન હતુ. ભારતમાંથી વર્ષ 2022-23માં ચોખાની નિકાસ 2.20 કરોડ ટન નોંધાય તેવી સંભાવના છે, જે વર્ષ 2021-22માં 2.10 કરોડ ટન નોંધાશે તેવી ધારણા છે.  
બાંગ્લાદેશમાં વર્ષ 2022-23માં ચોખાનુ ઉત્પાદન 3.60 કરોડ ટન અને વર્ષ 2021-22માં 3.58 કરોડ ટન, બ્રાઝિલમાં ચોખાનુ ઉત્પાદન વર્ષ 2022-23માં 71 લાખ ટન તેમજ વર્ષ 2021-22માં 72.76 લાખ ટન રહેવાની ધારણા છે. અમેરિકામાં વર્ષ 2022-23માં 58.01 લાખ ટન, ચીનમાં 14.90 કરોડ ટન, મ્યાનમાર (બર્મા)માં 1.25 કરોડ ટન, ફિલિપાઇન્સમાં 1.24 કરોડ ટન, ઇન્ડોનેશિયામાં 3.46 કરોડ ટન ચોખાનું ઉત્પાદન થવાનું અનુમાન છે. જ્યારે, અમેરિકામાં વર્ષ 2021-22માં 60.90 લાખ ટન, ચીન માં 14.89 કરોડ ટન, મ્યાનમાર (બર્મા) માં 1.23 કરોડ ટન, ફિલિપાઇન્સમાં 1.24 કરોડ ટન, ઇન્ડોનેશિયામાં 3.44 કરોડ ટન ચોખાના ઉત્પાદનનો અંદાજ છે. 
ચોખાની કુલ વૈશ્વિક વપરાશ વર્ષ 2022-23માં 51.92 કરોડ ટન રહેવાનું અનુમાન છે જ્યારે વર્ષ 2021-22માં તે 51.43 કરોડ ટન રહી શકે છે. વર્ષ 2022-23માં ચોખાનો વૈશ્વિક અંતિમ સ્ટોક 18.34 કરોડ ટન તેમજ વર્ષ 2021-22માં 18.73 કરોડ ટન રહેવાની સંભાવના છે. ભારતમાં વર્ષ 2021-22માં ચોખાનો અંતિમ સ્ટોક 3.87 કરોડ ટન રહેવાની સંભાવના છે. આ સ્ટોક વર્ષ 2022-23માં 3.97 કરોડ ટન રહી શકે છે. 
ચોખાની આયાતની વાત કરીએ તો વર્ષ 2022-23માં ચીન 60 લાખ ટન, યુરોપિયન યુનિયન 22 લાખ ટન, ઇરાન 12 લાખ ટન, ઇરાક 13.50 લાખ ટન, મલેશિયા 12 લાખ ટન, સાઉદી અરબ 14 લાખ ટન, ફિલિપાઇન્સ 30 લાખ ટન, સેનેગલ 12.50 લાખ ટન અને સંયુક્ત અરબ અમિરાત 10 લાખ ટન ચોખાની આયાત કરશે તેવી ધારણા છે. જ્યારે, વર્ષ 2021-22માં ચોખાની આયાત ચીનની 56 લાખ ટન, યુરોપિયન દેશોની 21 લાખ ટન, ઇરાનની 12 લાખ ટન, ઇરાકની 12.50 લાખ ટન, મલેશિયાની 12 લાખ ટન, સાઉદી અરબની 14 લાખ ટન, ફિલિપાઇન્સની 30 લાખ ટન,સેનેગલની 12.50 લાખ ટન અને સંયુક્ત અરબ અમિરાતની આયાત 9 લાખ ટન નોંધાશે તેવું અનુમાન છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer