વધારાના ચણાની નિકાસનું પણ આયોજન
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 21 જૂન
સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ વિતરણ માટે રાજ્યોને પોતાના બફર સ્ટોકમાંથી રાહતદરે ચણા આપવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. સરકાર નાફેડની પાસે રાખેલા વધારાના ચણાના જથ્થાનો નિકાસ કરવા ઇચ્છે છે.
હાલમાં 23 લાખ ટનના બફર સ્ટોક માપદંડની સામે, નાફેડ પાસે 36 લાખ ટન કઠોળ છે. જેમાંથી ચણાનો સ્ટોક લગભગ 27 લાખ ટન છે. અલબત્ત અન્ય કઠોળનો સ્ટોક ઘણો ઓછો છે કારણ કે તેની ખરીદી ઓછી થઇ છે. નાફેડ પાસે મગ (1.1 લાખ ટન),અડદ (20 હજાર ટન), તુવેર (90 હજાર ટન) અને મસૂર (70 હજાર ટન) છે. ઉપરાંત, પાછલા વર્ષના 2.5 લાખ ટન ચણા પડેલા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાછલા વર્ષના જૂના પાકની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને અને નવા સ્ટોક માટે ખર્ચ ઘટાડવા માટે સરકાર સ્ટોકની નિકાસ કરવાની વિચારણા કરી રહી છે. વર્ષ 2017-18માં સરકારે રાજ્યોને ખરીદી ખર્ચ પર 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ડિસ્કાઉન્ટે કઠોળની ઓફર કરી હતી. રાજ્યોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે જાહેર વિતરણ વ્યવસ્થા, મધ્યાહન ભોજન, બાળ વિકાસ કાર્યક્રમ વગેરેમાં કઠોળનો ઉપયોગ કરવા નિર્દેશ કરાયો છે.
વર્ષ 2021-22માં ચણાનુ ઉત્પાદન 17 ટકાથી વધારે વધ્યુ છે. પાક વર્ષ (જુલાઇ-જૂન)થી 139.8 લાખ ટન થયુ, જે પાછલા વર્ષ 119.1 લાખ ટન હતુ. કૂલ કઠોળના ઉત્પાદનમાં ચણાનો હિસ્સો 50 ટકા છે. ચાલુ વર્ષમાં વિક્રમી ઉત્પાદનને કારણે, નાફેડ ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) આપવા માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ કઠોળની ખરીદી કરી રહી છે. પીએસએસ ઓપરેશન હેઠળ અત્યાર સુધી 24 લાખ ટનથી વધારે ચણાની ખરીદી કરાઇ રહી છે. ચાલુ સિઝન માટે ચણાની ખરીદીનું લક્ષ્ય લગભગ 29 લાખ ટન છે. ચણાનો હાલનો બજાર ભાવ 5,230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની એમએસપીની તુલનાએ 4,600 - 4,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યો છે, જેનાથી નાફેડની ખરીદીમાં વધારો થયો છે.
કુલ ઉત્પાદનનો એક મોટો હિસ્સો બેસનના ઉત્પાદન માટે જતો રહે છે. આ દરમિયાન નાફેડે જથ્થાબંધ ખરીદદારો માટે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ચણાની ખુલ્લી હરાજી પણ શરૂ કરી દીધી છે. વર્ષ 2016માં સરકારે કઠોળનો એક બફર સ્ટોક બનાવ્યો હતો, જેથી ખુલ્લા બજારમાં સ્ટોકને કેલિબ્રેટેડ રીતે રીલિઝ કરીને છૂટક કિંમતોને અંકુશમાં રાખી શકાય.