ચોમાસાની શરૂઆત ધીમી હોવાથી
નવી દિલ્હી, તા. 21 જૂન
ચોમાસાની ધીમી શરૂઆતને કારણે ખરીફ પાકોના વાવેતર વિસ્તારમાં પાછલા વર્ષની સરખામણીએ આઠ ટકાનો ઘટાડો જોવા મળે છે. નેશનલ ફૂડ સિક્યોરિટી મિશનના આંકડા મુજબ 17મી જૂનના રોજ ફક્ત 99.63 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે પાછલા વર્ષે 108.29 લાખ હેક્ટર હતું.
ચોખા અને જાડાં ધાન્યના વાવેતર વિસ્તારમાં 30 ટકા કરતાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા વર્ષે 12.52 લાખ હેક્ટરની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ફક્ત 8.73 લાખ હેક્ટરમાં ચોખાનું વાવેતર કરાયું છે. દરમિયાન જાડાં ધાન્ય પણ ગયા વર્ષે 6.81 લાખ હેક્ટરની સામે ફક્ત 2.91 લાખ હેક્ટરમાં વાવવામાં આવ્યાં છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કુલ 703 જિલ્લાઓમાંથી 236 જિલ્લાઓમાં આ વર્ષે રવિવાર સુધીમાં વરસાદની ખાધ નોંધાઈ છે, જ્યારે ફક્ત 102 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
સ્કાયમેટ વેધરના પ્રેસિડેન્ટ (હવામાન) જી. પી. શર્માએ જણાવ્યું કે ચોમાસું ત્રીજા સપ્તાહમાં પ્રવેશતાની સાથે જ અવરોધાતું હોવાનું જણાતું હતું. કૃષિ ક્ષેત્રને લાગેવળગે છે, ત્યાં સુધી આ સિઝનમાં અત્યાર સુધીમાં દેશમાં વરસાદની ખાધ છે.
જોકે, હવામાન વિભાગને ચોમાસું વેગ પકડશે તેવી આશા છે અને દેશમાં આ વર્ષે પણ સામાન્ય વરસાદ થશે તેમ તે માને છે. દેશમાં સાર્વત્રિક વરસાદની ખાધ 11મી જૂને 43 ટકાથી ઘટીને 17મી જૂને 18 ટકા થઈ હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું.