ગુજરાતમાં 48 ટકા વધુ વાવણી : મગફળીનું વાવેતર પણ ઊંચકાયું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.21 જૂન
ચોમાસાની શરૂઆત સમયસર થઇ ગયા બાદ કેટલાક સ્થળોએ વાવણીલાયક વરસાદ પડ્યો છે પરંતુ હજુ ઘણા વિસ્તારો કોરાકટ્ટ રહી ગયા છે. આમ છતાં વરસાદની પધરામણી થઇ જશે તેવી આશાએ ખરીફ પાકના વાવેતરમાં વેગ જોવાયો છે. ખેડૂતો હવે આકાશી ખેતી અર્થાત વરસાદ પહેલા જ વાવણી કરીને મેઘરાજા સામે મીટ માંડતા થઇ ગયા છે.
ખરીફ પાકોના વાવેતરના આંકડાઓની જાહેરાત થઇ છે તે 20 જૂન સુધીમાં 48 ટકા ઉંચું રહ્યું છે. ગુજરાત સરકારના કૃષિ ખાતાના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં 10.24 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. પાછલા વર્ષમાં 6.89 લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવેતર હતુ. ચોમાસા અંગે ખેડૂતો આશાવાદી છે એટલે ખેડૂતો વાવેતરમાં આગળ ધપી રહ્યા છે.
ગુજરાતના કુલ વાવેતરમાં અર્ધોઅર્ધ હિસ્સો કપાસનો છે. પાછલા વર્ષના 3.52 લાખ હેક્ટર સામે 5.89 લાખ હેક્ટરમાં માત્ર કપાસનું વાવેતર છે. સામાન્ય રીતે 24 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થતું હોય છે તેની સામે અત્યાર સુધીમાં 25 ટકા જેટલું વાવેતર થઇ ગયું છે. 4.72 લાખ હેક્ટર જેટલું વાવેતર માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. ખેડૂતોને રેકોર્ડબ્રેક ઉંચા ભાવ મળવાને લીધે કપાસના વાવેતર પ્રત્યે જબરું આકર્ષણ ખેડૂતોને છે.
મગફળીનું વાવેતર પણ સામાન્યની તુલનાએ 20 ટકા જેટલું સંપન્ન થઇ ગયું છે. વાવેતર ઘટવાની ધારણા આરંભમાં મૂકાઇ હતી પરંતુ હાલના આંકડાઓ પાછલા વર્ષથી વધારે આવી રહ્યા છે. ગયા વર્ષના 2.60 લાખ હેક્ટર સામે 3.66 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્રણ વર્ષનો સરેરાશ વિસ્તાર 18-19 લાખ હેક્ટર જેટલો છે.
આરંભિક તબક્કે સોયાબીનનું આકર્ષણ પણ ખેડૂતોને છે. સોયાબીનનું વાવેતર 9130 હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષમાં આ સમયે 4191 હેક્ટરમાં હતુ. ગુજરાતમાં આશરે દોઢેક લાખ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું હોય છે. ઉંચા ભાવને લીધે વાવેતરમાં આ વખતે વધારો થાય તેવી શક્યતા છે.
કઠોળમાં તુવેરનો વિસ્તાર 2704, હેક્ટર, મગનો વિસ્તાર 209 હેક્ટર અને અડદનો વિસ્તાર 38 હેક્ટર રહ્યો છે. ત્રણેય કઠોળના ભાવ હાલમાં નીચાં ચાલી રહ્યા હોવાથી વાવેતર પ્રત્યે ઉત્સાહ ઓછો દેખાય છે.
ડાંગરનું વાવેતર પાછલા વર્ષમાં 6384 હેક્ટર હતુ તેની સામે અત્યારે 282 હેક્ટર છે. બાજરીનું સામાન્ય વધીને 1022 હેક્ટર તથા મકાઇનું 3600 હેક્ટર સામે 1835 હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડૂતો વાવેતર પછી હવે સારાં વરસાદની રાહમાં છે. બે ચાર ઇંચનો એક રાઉન્ડ વરસી જાય તો વાવેતર વિસ્તારમાં મોટો વધારો જોવા મળશે.
ખરીફ વાવેતરમાં કપાસનો દબદબો
