નવી દિલ્હી, તા. 21 જૂન
ભારતમાં ક્રૂડતેલનું ઉત્પાદન મે, 2022માં 4.6 ટકા વધીને 26 લાખ ટન થયું હતું, જે આ મહિનાના લક્ષ્યાંક કરતા 2.4 ટકા વધુ હતું.
2022-23ના વર્ષના પહેલા બે મહિનામાં ક્રૂડતેલનું ઉત્પાદન લગભગ 2 ટકા વધીને 51 લાખ ટન થયું હતું. જ્યારે એપ્રિલ મેના નિર્ધારીત લક્ષ્યાંક કરતા તે 2.9 ટકા વધુ હતું, તેમ પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું.
મે મહિનામાં ભારતીય રિફાઈનરીઓએ 226 લાખ ટન ક્રૂડ પ્રોસેસ ર્ક્યું હતું, જે તેના લક્ષ્યાંક કરતાં 4.96 ટકા તથા મે, 2021 કરતાં 19.34 ટકા વધુ છે. 2022ના એપ્રિલ-મે દરમિયાન 442.2 લાખ ટન ક્રૂડતેલ પ્રોસેસ થયું હતું, જે તેના લક્ષ્યાંક કરતાં 3.81 ટકા અને વર્ષાનું વર્ષ 13.81 ટકા ઉત્પાદન વધુ છે.
જાહેર ક્ષેત્રની રિફાઈનરીઓએ મે, 2022 દરમિયાન 141.4 લાખ ટન તેલનું પ્રોસેસિંગ ર્ક્યું હતું, જે નિર્ધારિત લક્ષ્યાંક કરતા 3.94 ટકા અને વાર્ષિક ધોરણે 32.56 ટકા વધુ છે.
2022ના એપ્રિલ-મે દરમિયાન 278.7 લાખ ટન ક્રૂડતેલનું પ્રોસેસિંગ થયું હતું, જે તેના લક્ષ્યાંક કરતાં 3.94 ટકા તેમ જ વર્ષાનુવર્ષ કરતાં 22.02 ટકા વધુ હતું.
મે, 2022માં ભારતમાં કુદરતી ગૅસનું ઉત્પાદન 29,136.5 લાખ ઘનમીટર થયું હતું, જે તેના લક્ષ્યાંક કરતાં 5.06 ટકા ઓછું હતું, પણ ગત વર્ષના સમાનગાળા કરતાં 6.35 ટકા વધુ હતું.
એપ્રિલ-મે, 2022માં કુદરતી ગૅસનું ઉત્પાદન 57,403.8 લાખ ઘનમીટર હતું, જે તેના લક્ષ્યાંક કરતાં 5.46 ટકા ઓછું હતું, પણ ગત વર્ષના સમાન સમયગાળા કરતાં તે 6.48 ટકા વધુ હતું.
મે, 2022માં પેટ્રો પેદાશોનું ઉત્પાદન 232.5 લાખ ટન હતું, જે તેના લક્ષ્યાંક કરતાં 4.3 ટકા વધુ હતું તેમજ મે, 2021 કરતાં 16.65 ટકા વધુ હતું.
એપ્રિલ-મે, 2022માં પેટ્રો પેદાશોનું ઉત્પાદન 461 લાખ ટન થયું હતું, જે તેના લક્ષ્યાંક કરતાં 12.83 ટકા વધુ હતું તેમજ મે, 2021 કરતાં 12.83 ટકા વધુ હતું, તેમ પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું.
ક્રૂડતેલનાં ઉત્પાદનમાં મેમાં 4.6 ટકાનો વધારો
